મુખ્યમંત્રીની ચેમ્બરમાં ધરણા કરવાની વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની ચીમકી
રાજય સરકાર દ્વારા ૬૮૬ ખનીજોની બ્લોકની ફાળવણી કરવા માટે ઈ-ઓકશન હાથ ધરવામાં આવ્યો છે જેમાં બંધારણની જોગવાઈ મુજબ ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના લોકો માટેની જોગવાઈનો ઉલાળીયો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા કરવામાં આવ્યો છે. જો જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ચેમ્બરમાં જ ધરણા કરવાની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી છે.
આજે પત્રકાર પરીષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, ખાણ-ખનીજમાં બંધારણના આર્ટીકલ-૪૬ની જોગવાઈનું પાલન થતું નથી. આ જોગવાઈમાં ખનીજ બ્લોકની ફાળવણીમાં ૨૫ ઓબીસી અનામત, ૧૭ ટકા એસ.ટી.અનામત અને ૭ ટકા એસ.સી. અનામતની જોગવાઈ છે છતાં જાહેર હરરાજીથી ખાણ ખનીજના બ્લોક બનાવી ઈ-ઓકશન કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં અનુસુચિત જાતિના વર્ગના લોકો માટે કોઈ અનામત રાખવામાં આવી નથી. જે બંધારણનું અપમાન ગણાય.
વિપક્ષી નેતા પદ બચાવવા વશરામ સાગઠિયાના હવાતીયા: ઉદય કાનગડનો પ્રહાર
રાજય સરકાર દ્વારા ગૌણ ખનીજોની બ્લોકની ફાળવણીમાં અનુસુચિત જાતી માટેની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી જે બતાવે છે કે મુખ્યમંત્રી દલિત સમાજના વિરોધી છે તેઓ આક્ષેપ આજે પત્રકાર પરીષદમાં મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ કર્યો છે. આક્ષેપના વળતો જવાબ આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા નવા વિપક્ષી નેતાની નિમણુક કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે ત્યારે વશરામ સાગઠિયા પોતાનું વિપક્ષીપદ બચાવવા માટે હવાતીયા મારી રહ્યા છે. ખનીજની ખાણોના ઈ-ઓકશનમાં સરકાર દ્વારા તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.