- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ મુલાકાત માત્ર સોશિયલી નહિ ઇકોનોમિકલ પણ અસરકાર નીવડશે
- નેપાળના પૂર્વમાં અરુણ નદી પર હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ બનશે તેમાંથી બન્ને દેશો વચ્ચે 51 ટકા અને 49 ટકાના હિસ્સામાં વીજળી વહેંચવામાં આવશે
ભારત અને નેપાળ બન્ને વીજળી વેપાર સોદા હેઠળ, સાથે મળીને 695 મેગાવોટનો હાઇડ્રોપાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે. ભારત નેપાળમાં હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. નેપાળમાં ચીનની વધતી સક્રિયતા વચ્ચે એવું માનવામાં આવે છે કે ભારતના આ પગલાથી નેપાળમાં ભારતનો પ્રભાવ વધશે.
વાસ્તવમાં, નેપાળ દેશમાં વીજળીની અછતને પહોંચી વળવા માટે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવા માટે તેની ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જેમાં ભારત તેને મદદ કરશે. બદલામાં ભારતને પણ ફ્રી વિજળી મળશે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ મુલાકાત દરમિયાન થયેલા 6 કરારોમાં આ કરારનો પણ સમાવેશ થાય છે. નેપાળ પહાડી દેશ છે. ત્યાં ઉર્જા વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરી શકાય તેમ છે. ભારતને હાલ ઉર્જાની સખત જરૂરિયાત છે. માટે આ પ્રોજેક્ટ ભારત માટે પણ અતિ ઉપયોગી છે.
નેપાળ ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તા સુરેશ બહાદુર ભટ્ટરાઈના જણાવ્યા અનુસાર, અરુણ આઈવી પ્રોજેક્ટ નેપાળના પૂર્વમાં અરુણ નદી પર ભારતના સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ અને નેપાળની સરકારી વીજ કંપની નેપાળ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. અને 49% ઇક્વિટીના ગુણોત્તરમાં કરવામાં આવશે.
નેપાળને આ પ્રોજેક્ટથી 152 મેગાવોટ મફત વીજળી મળશે અને અન્ય બે કંપનીઓ વચ્ચે 51% અને 49%ના આધારે પાવર વહેંચવામાં આવશે. સુરેશ બહાદુર ભટ્ટરાઈના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે પ્રોજેક્ટની કુલ કિંમત નક્કી કરવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય કંપનીઓ પાવર પ્લાન્ટ માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. નેપાળમાં કુલ 8,250 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની યોજના છે. કરાર મુજબ નેપાળ ભારતને વધારાની ઊર્જાની નિકાસ કરવામાં મદદ કરશે. નેપાળમાં 42,000 મેગાવોટ હાઈડ્રોઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
કુલ 6 કરારોમાંથી, ચાર બૌદ્ધ ધર્મ અને શિક્ષકો સાથે સંબંધિત છે અને બાકીના લુમ્બિની-કુશીનગરને જોડિયા શહેર અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તરીકે વિકસાવવા અંગેના કરારો છે. બીજી તરફ જો ચીનની વાત કરીએ તો વિકાસના નામે બીજાને દેવું કરાવાની અને દેવું ન માફ કરવાની નીતિ રહી છે.
શ્રીલંકા અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ લગભગ એક જેવી જ છે. એટલે કે જેણે ચીન સાથે વધુ તાલમેલ વધાર્યો, તે દેવાની જાળમાં ફસાઈ ગયા છે. અને કદાચ નેપાળને પણ આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે, પછી ગયા મહિને જ તેણે ચીનના હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું કામ રદ્દ કરી દીધું. ચીને નેપાળને પોતાના બીઆરઆઈ પ્રોજેક્ટનો હિસ્સો બનાવ્યો અને સપનું બતાવ્યું કે 2030 સુધીમાં તે નેપાળને વિકાસશીલ દેશોની શ્રેણીમાં લાવી દેશે, પરંતુ નેપાળને પણ તેના ઈરાદાની ખબર પડી ગઈ અને કદાચ આ જ કારણ છે કે નેપાળમાં હજુ સુધી કોઈ મોટો પ્રોજેક્ટ થવા દેવામાં આવ્યો નથી.