જસદણ તાલુકાના વિછીંયા ગામમાં સામાજીક કાર્યકર પર સરા જાહેર બે રાઉન્ડ ફાયરિંગ કરી કુહાડી, ધોકા અને પાઇપથી છ શખ્સોએ ખૂની હુમલો કર્યાની અને હત્યાની કશિષ પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયો કરાવ્યાના આક્ષેપ થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા રહેતા સામાજીક કાર્યકર મુકેશભાઇ મનસુખભાઇ રાજપરા નામના 40 વર્ષના કોળી યુવાન પર રાજેશ ધાધલ સહિત છ શખ્સોએ કાર અને બાઇકમાં ઘસી આવી બે રાઉન્ડ ફાયરિગ કરી કુહાડી, ધોકા અને પાઇપથી ખૂની હુમલો કર્યાના આક્ષેપ સાથે સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઇ રાજપરા વિછીંયા પંથકના પાણી પ્રશ્ર્ને આંદોલન ચલાવી રહ્યા છે. અને પાણીની પાઇપ લાઇનમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા દ્વારા અડધા કરોડનો ભ્રષ્ટાચાર થયાના અંગેની મામલતદાર સમક્ષ રજૂઆત કરવાના હોવાથી તેમના પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યાનો મુકેશભાઇ રાજપરાએ આક્ષેપ કર્યો છે.
કોળી વિકાશ સંગઠનના પ્રમુખ મુકેશભાઇ રાજપરા ગઇકાલે વિછીંયામાં માઇક લઇને ફર્યા હતા અને ભ્રષ્ટાચાર વિરોધી રેલીમાં જોડાવવા જાહેર અનુરોધ કર્યો હતો અને બીજા જ દિવસે કુવરજીભાઇ બાવળીયાના ટેકેદાર રાજેશ ધાધલ સહિતના શખ્સોએ ફાયરિંગ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. કુવરજીભાઇ બાવળીયા સામે ખૂની હુમલો કરાવ્યાના આક્ષેપના પગલે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ રુરલ એસઓજી પીએસઆઇ ભાનુભાઇ મિયાત્રા અને વિછીંયા પી.એસ.આઇ. આઇ.ડી.જાડેજા સહિતના સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા છે. મુકેશભાઇ રાજપરાનો એકરે કરાવ્યા બાદ તેમના પર ફાયરિંગ થયુ છે કે કેમ તે અંગે સ્પષ્ટ થયા બાદ ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
મોઢુકાના સામાજીક કાર્યકર રહીમની પણ ફાયરિંગ કરી હત્યા થઇ’તી
વિછીંયા નજીક આવેલા મોઢુકાના સામાજીક કાર્યકર રહીમ લોહીયા પર પંદર વર્ષ પહેલાં ફાયરિંગ કરી હત્યા થઇ હતી ત્યારે પણ કુવરજીભાઇ બાવળીયાની સંડોવણી અંગેના આક્ષેપ થયા હતા. અમરાપર ગામના જમીન કૌભાંડ અંગે સરપંચ સવિતાબેન નાથાભાઇ દ્વારા કુવરજીભાઇ બાવળીયા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે મહિલા સરપંચ સવિતાબેન નાથાભાઇને રહીમ લોહીયા મદદ કરતો હોવાથી તેમના પર ફાયરિંગ કરાવ્યાના ાક્ષેપ થયા હતા.
મુકેશ રાજપરા પર ફાયરિંગ નથી થયું: એસઓજી પીએસઆઇ મિયાત્રા
વિછીંયાના પાણી પ્રશ્ર્ને અને પાણીની પાઇપ લાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે રેલી યોજી મામલતદારને રજુઆત કરવાનું જાહેર કરનાર મુકેશભાઇ રાજપરાએ પોતાના પર બે રાઉન્ડ ફાયરિંગ થયાના અને કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ ફાયરિંગ કરાવી હત્યાનો પ્રયાસ કર્યા અંગેના કરેલા આક્ષેપનું તબીબ કરાયેલા પરિક્ષણમાં ફાયરિંગ ન થયું હોવાનું રુલર એસઓજી પી.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા અને વિછીંયા પીએસઆઇ આઇ.ડી.જાડેજા દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. મુકેશભાઇ રાજપરાના એકરે કરાવ્યા બાદ તેમાં ફાયરિંગ ન થયાનું બહાર આવ્યું છે. તેને માત્ર મુંઢ ઇજા હોવાનું જાહેર કરાયું છે.