ડસ્ટબીન બાદ હવે સીસીટીવીનો વિવાદ ચરમસીમાએ…
રૂ.૪૯ લાખના ખર્ચે ૩૦ કેમેરા ખરીદાયા, બાંટવા અને વિસાવદર પાલિકાએ માત્ર પાંચ લાખમાં જ સીસીટીવી ખરીદ્યા
હંમેશા વિવાદોના વમળમાં ઘેરાયેલી રહેતી વંથલી નગરપાલિકા સામે વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે, પ્રથમ ડસ્ટબિન પ્રકરણ બાદમાં પક્ષાંતર ધારા સહિતના વિવાદો બાદ ફરી એકવાર સીસીટીવી કેમેરાની ખરીદી બાબતે નગરપાલિકા વહીવટી તંત્ર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે.
વંથલી નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની ખરીદી કરવામાં આવી છે, જેની સામે નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી સીસીટીવી ખરીદી સામે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆતો કરવામાં આવી રહી છે.
૧૪માં નાણાપંચની યોજના હેઠળ સીસીટીવી કેમેરાની ખરીદી કરવામાં આવી હતી પરંતુ ફરિયાદી જૂથે કરેલા આક્ષેપો મુજબ ૩૦ સીસીટીવી કેમેરા માટે ૪૯ લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચ કરવામાં આવી છે. જ્યારે વંથલી નજીકના બાટવા અને વિસાવદર નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા પાંચ લાખ રૂપિયામાં ખરીદી કરી હોય, વંથલી નગરપાલિકા આવડી મોટી રકમ કઈ રીતે ખર્ચ કરી શકે? તેવા આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે તથા નગરપાલિકાના ચીફ ઓફિસર એકાઉન્ટ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
જો કે આ પ્રકરણમાં વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કાયદેસર કાર્યવાહી દ્વારા ખરીદી કરવામાં આવી હોવાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી હતી. જ્યારે પ્રમુખ સિરાજ વાજા દ્વારા તાજેતરમાં નગરપાલિકા પ્રમુખની ટર્મ પૂરી થતી હોય, આવનારા દિવસોમાં પ્રમુખની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિરોધી જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવી પોતાને પણ રાજકીય દબાણ અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા માટે એક મંત્રી અને ભાજપના સ્થાનિક અગ્રણીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવા અને આટલા વિવાદો વચ્ચે આવનારા દિવસોમાં વંથલી નગરપાલિકા પ્રમુખની ટર્મ પૂરી થતી હોય, શું વંથલી નગરપાલિકા જાળવવામાં કોંગ્રેસ સફળ રહેશે કે કેમ ? તે મુદ્દા ઉપર પણ રાજકીય સવાલો ખડા થવા પામ્યા છે.