અમારી ઓફીસમાં એસી. ફર્નીચર આપો: વિપક્ષ, સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ સમિતીના મુદ્દે બન્ને પક્ષના સભ્યો વચ્ચે તડાપીટ બોલી
મોરબી જિલ્લા પંચાયત ની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક મુદ્દે ચડસા ચડસી થઈ હતી.જેમાં મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના વણઉકેલાયેલ 334 જેટલા પડતર પ્રશ્નો અંગે વિપક્ષ દ્વારા સવાલોનો મારો કરવામાં આવ્યો હતો જ્યારે શાસક પક્ષ દ્વારા અનેક કાર્યો ની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં આવનાર કાર્યો માટે ની નીતિ સહિતની વિગતો જણાવી હતી.
જેમાં મોરબી જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટ જેમાં જિલ્લાની 19 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે તથા વાંકાનેર ના તીથવા અને સિંધાવદરમાં છેલ્લા ચાર વર્ષ થી પીએચસી માં ડોકટરોની ઘટ અને ખાનગી એજન્સી ને અપાયેલ કોન્ટ્રાક્ટ માં કામ કરતા આરોગ્ય કર્મીઓને મળતું ઓછું વેતન તથા પશુઓમાં થતા રોગચાળો અટકાવવા થતા રસીકરણ નો અભાવ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઠીકરિયાળા ગામે તળાવની પાળ બાંધવાના કામ માં વિલંબ થશે તો ખેડતોની જમીન ધોવાશે અને જો આવું થશે તો વિપક્ષ ના જિલ્લા પંચાયત ના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોને પ્લાસ્ટિકના ડ્રમ આપવાની સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 31788 અરજીઓ મળેલ છે જેમાંથી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર 31684 માંથી આજ સુધી એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળશે નથી એવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.આ તકે કોંગ્રેસ ના સદસ્યો દ્વારા ઘા ભેગો ઘસરકો ઉક્તિને સાર્થક કરતા આ સભામાં પોતાની ચેમ્બરમાં એસી ફર્નિચર સહિતની સુવિધાઓની માંગણી કરવામાં આવી હતી.