એક તરફ વન અને જમીનની સાચવણી માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે છે. પરંતુ બીજી તરફ મુળીના ભીટ ગામમાં જૂદી જ હકીકત જોવા મળી રહી છે. ત્ત્યારે સુરેન્દ્રનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં ખનીજ માફિયાઓથી ખેડૂત પરેશાન થઈ રહ્યા છે. મૂળીના ભીટ ગામની સીમમાં ગેરકાયદે કોલસો કાઢવા બ્લાસ્ટિંગ કરાતું હોવાનો આક્ષેપ કરતો વીડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા ખેડૂતે વીડિયો બનાવી કોલસાની ખાણ બંધ કરાવવા વિનંતી કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગર જીલ્લાના મૂળીના ભીટ ગામની છે જ્યાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કોલસાની ખાણ ચલાવવામાં આવી રહી છે ના આક્ષેપો મહિલા ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે. કોલસો કાઢવા બ્લાસ્ટિંગ કરતા આસપાસના ખેડૂતોને નુકસાન થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
હાલ ઉનાળો આવી ગયો છે સામાન્ય રીતે હાલ પાણીના તળ નીચે ચાલ્યા જતા હોય છે ત્યારે મહિલાએ વીડીયો બનાવીને ખાણખનીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના ખેતરની આસપાસ બેરોકટોક થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે. જેના કારણે તેઓની ખેતી પર સંકટ ઉભું થયું છે. તો બીજી તરફ આસપાસના ખેડૂતોના મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી હોવાની વિગતો સામે આવી છે.
મહિલાએ તંત્ર સામે સવાલ કર્યા
ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવો વેધક સવાલ મહિલાએ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનુ ખાણ ખનીજ વિભાગ આવા ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરશે ? તે સવાલ છે. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નહી થાય તો મહિલાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.