બાળકનું સારવાર પહેલા જ મોત થયું હોવાનો તબીબોનો બચાવ:ફોરેન્સિક પીએમ બાદ સચોટ કારણ સામે આવશે
તબીબોએ સમયસર સારવાર ન આપતા બાળકે દમ તોડયો: પરિવારજનો ધરણાં કરશે
શહેરના ભાગોળે આવેલા વરવાજડી ગામે પાચ દિવસથી ઓરીના બીમારીથી પીડાતા બાળકને આજ સવારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારજનોએ તબીબોની બેદરકારીનો આક્ષેપ કરી બખેડો કર્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં બાળકના પરિવારજનોએ ન્યાય મેળવવા ધરણાં કરવાની પણ તૈયારી દર્શાવી હતી. તો બીજી તરફ કે.ટી.ચિલ્ડ્રન વિભાગના તબીબોએ બાળક મૃત હાલતમાં જ સારવારમાં આવ્યાનું જણાવી બચાવ કર્યો હતો. જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકના મોતનું સચોટ કારણ જાણવા મળશે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વર વાજડી ગામે રહેતા અને કિરાણા દુકાન ચલાવતા ભાવેશભાઈ જોગડિયાના 11 વર્ષના પુત્ર ક્રિષ્ના જોગડિયાને છેલ્લા પાચ દિવસથી ઓરી નીકળ્યા હતા. જેના કારણે આજ રોજ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં કોઈ સારવાર ન મળતાં બાળકનું મોત નિપજ્યું હતું.
જેથી પરિવારજનોએ બાળકની સારવાર સરખી રીતે ન કરતા ડોકટરની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ બખેડો કર્યો હતો. જેના પગલે તુરંત સિક્યુરીટી સ્ટાફ અને પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ કે.ટી.ચિલ્ડ્રન ખાતે દોડી ગયો હતો. પરિવારજનોએ આક્ષેપ કરતા બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યારે પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે ધરણાં કરવાની ચીમકી આપી હતી.તો બીજી તરફ કે.ટી.વિભાગના તબીબોએ જણાવ્યું હતું કે બાળકને ઓરીની બીમારી હતી. જેને આજરોજ 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ક્રિષ્ના જોગડીયાને લઈ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું. પોલીસે બાળકના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી રિપોર્ટ આવ્ય બાદ જ ખ્યાલ આવશે તેવું જાણવા મળ્યું છે.