કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ઈ-શ્રમ કાર્ડ નોંધણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ખેતશ્રમિકો, સફાઈ કામદાર, વાહન ચાલકો, ફેરિયા, શાકભાજી વેચનાર, મજુર, કારખાનામાં કામ કરતા કારીગરો સહીત તમામ ક્ષેત્રેના શ્રમિકોને લાભ લેવા અનુરોધ
અબતક, રાજકોટ
જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને અસંગઠિત બાંધકામ શ્રમયોગીઓ માટે અપાતા ઈ-શ્રમ કાર્ડ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવે છે ત્યારે વધુને વધુ શ્રમિકો આ યોજના હેઠળ નોંધણી કરાવે તેમ શ્રી અરુણ મહેશ બાબુએ ઉપસ્થિત સભ્યોને જણાવ્યું હતું.
આરોગ્ય, શિક્ષણ ,કૃષિ, સખી મંડળ, આર.ટી.ઓ., જિલ્લા ઉદ્યોગ, ખાણ ખનીજ, એસ્ટેટ, શોપ, સહકારી મંડળી, લાઈવલીહુડ, મનરેગા સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને તેમના ક્ષેત્રમાં વધુ ને વધુ શ્રમિકો આ કાર્ડ મેળવે તે માટે જાગૃતિ સેમિનાર, કેમ્પના આયોજન કરવા અંગે સંબંધિત વિભાગને સઘન આયોજન કરવા શ્રમિકો કલેકટર શ્રી બાબુએ સૂચના આપી હતી.
ખેતશ્રમિકો, સફાઈ કામદાર, વાહન ચાલકો, ફેરિયા, શાકભાજી વેચનાર, મજુર, કારખાનામાં કામ કરતા કારીગરો સહીત તમામ ક્ષેત્રેના શ્રમિકોને લાભ લેવા અનુરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતશ્રમિકો, સફાઈ કામદાર, વાહન ચાલકો, ફેરિયા, શાકભાજી વેચનાર, મજુર, કારખાનામાં કામ કરતા કારીગરો સહીત તમામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગી કામદારોને વિના મુલ્યે કાર્ડ કાઢી આપવામાં આવે છે. જેમાં શ્રમિકને યુનિક નંબર આપવામાં આવે છે. જે શ્રમિકો આવકવેરો ભરવા પાત્ર ન હોય કે પી.એફ. ન કપાતું હોય તેમજ 16 થી 60 વર્ષ વચ્ચેની ઉંમર હોય તે તમામ શ્રમિકો આ કાર્ડ મેળવી શકે છે. આ શ્રમિકોના અકસ્માતમાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખની રકમ મળવા પાત્ર છે. તેમજ અન્ય લાભો પણ મળવા પાત્ર છે.
આ બેઠકમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર એ.કે. સિહોરા,અધિક કલેકટર એન.એફ. ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિત્તલ પટેલ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, ખેતીવાડી સહીત સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.