તંત્રના કડક વલણથી દીવમાં ઘણા દિવસોથી વાઇનશોપના શટર જ ખુલ્યા નથી
હાલ ગણ્યા ગાંઠ્યા બાર જ ચાલુ તેમાં પણ માત્ર ટેક અવેની સુવિધા નહિ, હોટેલ રૂમમાં પણ દારૂ પીરસવાની મનાઈ
ગુજરાત ન્યૂઝ
સૌરાષ્ટ્રભરના પ્યાસીઓ માટે સ્વર્ગ બનેલા દિવની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. અહીંથી પ્યાસીઓ હવે નિરાશ થઈને પરત આવી રહ્યા છે કારણકે અહીં તમામ વાઇનશોપ બંધ છે. ઢગલાબંધ બાર પણ સિલ કરી દેવામાં આવ્યા હોય હવે માત્ર ગણ્યા ગાંઠ્યા બાર જ ખુલ્લા છે. તેમાં પણ ટેક અવેની સુવિધા આપવામાં આવતી નથી.
ગુજરાતની તદ્દન નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્યાસીઓ અને સહેલાણીઓ વિક એન્ડમાં જતા હોય છે. દીવ પ્રશાસન દ્વારા દારૂને લઈને કડક નિયમો લાગુ કરવામાં આવતાં પ્યાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોટેલો તેમના રૂમમાં દારૂ પીરસવાનો ઇનકાર કરી રહી છે, જ્યારે ઘણા બાર અને વાઇન શોપ બંધ છે. એક્સાઈઝ અધિકારીઓ દ્વારા કથિત હેરાનગતિ સામે બાર અને વાઈન શોપના માલિકો વિરોધ કરી રહ્યા છે. દીવ વહીવટીતંત્ર આ આરોપોને નકારી કાઢે છે અને દાવો કરે છે કે આ કાર્યવાહીનો હેતુ બૂટલેગિંગને રોકવાનો છે.
દીવ લિકર શોપ્સ એન્ડ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, દીવ વહીવટીતંત્ર દ્વારા નિયમોના ઉલ્લંઘનના આરોપસર 24 બાર અને દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હેરાનગતિ ટાળવા માટે 70 થી વધુ અન્ય દુકાનો સ્વેચ્છાએ બંધ કરી દેવામાં આવી છે.
એસોસિએશનના પ્રમુખ ભાવેશ અભિનવે જણાવ્યું હતું કે, “બૂટલેગિંગને કાબૂમાં લેવાની પ્રક્રિયામાં, પ્રવાસીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઘણા બાર અને વાઇન શોપના માલિકોને સ્ટોક મિસમેચ, વેચાણના પુરાવા, લાંબી કતારો અને દારૂ પીરસવા જેવા નાના મુદ્દાઓ પર અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાં દારૂ લઈ જવાને પગલે કેટલાક બારના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ કમિશનર ઑફ એક્સાઇઝનો વધારાનો હવાલો સંભાળતા દીવના વધારાના ડીએમ વિવેક કુમારે જણાવ્યું હતું કે, “અમે બૂટલેગિંગને રોકવા અને બારમાં સ્વચ્છતા જાળવવા પગલાં લીધાં છે. ગેરકાયદેસર વેચાણ અને ઉલ્લંઘનમાં સંડોવાયેલા બાર સામે પગલાં લેવામાં આવ્યા છે.
નાગવા બીચનું પ્રખ્યાત ગંગાસાગર બાર પણ સીલ!
દિવ પ્રસાશન દ્વારા ઢગલાબંધ બારને સિલ કરવામાં આવ્યા છે. જેમાં નાગવા બીચ ઉપર આવેલ પ્રખ્યાત ગંગાસાગર બાર પણ સિલ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં ગ્રાહકો પ્લાસ્ટીકની બોટલમાં દારૂ ભરી બહાર લઈ જતા હોય જેને પગલે દિવ પ્રસાશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પ્યાસીઓ હવે માઉન્ટ આબુ ભણી!
સૌરાષ્ટ્રના પ્યાસીઓ વિક એન્ડમાં પ્યાસ બુઝાવવા માટે દિવ જતા હોય છે. દિવ નજીક પણ હોય એટલે તેનો પ્રવાસ પણ સરળ રહે છે. પણ હવે દિવમાં કડક પ્રતિબંધો આવ્યા હોય જેને પગલે પ્યાસીઓ માઉન્ટ આબુ તરફ વળ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આવું જ ચાલ્યું તો દિવ ટુરિઝમ જોખમમાં!
મળતી માહિતી મુજબ દિવ ટુરિઝમમાં પ્યાસીઓનું યોગદાન જ સૌથી વધુ છે. ત્યાં દારૂની છૂટ હોવાને કારણે જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પણ હવે દારૂને લઈને કડક પ્રતિબંધને કારણે દિવ ટુરિઝમને મોટો ફટકો પડયો છે. વધુમાં પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિક રોજગારીને પણ અસર થવાની છે.
બુટલેગરોના વાંકે વાઇનશોપ ધારકોને ડામ
પ્રાપ્ત વિગતો મુજબ બુટલેગરો તેમના લોકોને થોડી બોટલ ખરીદવા મોકલે છે. જ્યારે બુટલેગરની ધરપકડ કરવામાં આવે છે ત્યારે એફઆઈઆરમાં બાર કે વાઈન શોપના માલિકનું નામ પણ હોય છે. બોટલ કઈ શોપ અને બારની છે તે બેચ નંબર પરથી સરળતાથી ચકાસી શકાય છે. આ મામલે શોપ ધારકો કહે છે કે અમારી દુકાનમાંથી બોટલ ખરીદ્યા પછી ગ્રાહક તેને ક્યાં લઈ જશે તે અમે કેવી રીતે જાણવું.