ભારે વિરોધ અને વિવાદ થતાંની સાથે જ યુનિવર્સિટીના સત્તાધિશોએ ગણતરીના કલાકોમાં યુ-ટર્ન માર્યો
એક તરફ સરકાર ભારતીય સંસ્કૃતિના વિષય અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે આ વિષયને અભ્યાસક્રમમાં સમાવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય સંસ્કૃતિનો વિષય બંધ કરવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે વિવાદ થતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ યુ-ટર્ન લઈ લીધો છે. કુલપતિએ આ પરિપત્ર પરત ખેંચવા અંગે જણાવ્યુ હતુ કે, ‘અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો નથી માત્ર વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યુ હતુ કે, તમે આ અભ્યાસક્રમ પસંદ ન કરો. આવતા દિવસોમાં રાજ્ય સરકાર અનુદાનિત કોલેજોમાં ભારતીય સંસ્કૃતિ વિષયના પ્રોફેસરની ભરતી કરશે.’ ત્યારે ભારે વિરોધ અને વિવાદ થતાંની સાથે જ યુનિવર્સિટીના સત્તાધિશોએ ગણતરીના કલાકોમાં યુ-ટર્ન માર્યો હતો.
આ પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજના આચાર્ય તેમજ અનુસ્નાતક કેન્દ્રો તેમજ માન્ય સંસ્થાના વડાઓને મોકલવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિપત્રને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીને પત્ર લખવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે પત્ર લખીને જણાવવામાં આવ્યુ છે કે, ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે ખૂબ જ દુ:ખદ છે. સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી ભારતીય સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત રહે તે કદાપી ચલાવી નહીં લેવાય. અલમાસ નાટક કક્ષાએ ચાલતો ભારતીય સંસ્કૃતિ અભ્યાસક્રમ બંધ કરવાની જરૂર નથી. જો કે, હવે પરિપત્ર રદ કરતા આ તમામ નિર્ણયો પણ રદ થઈ શકે છે.