- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકાઉન્ટ વિભાગ સાથે સંચાલક મંડળની બેઠક યોજી જીએસટીની રકમ વસૂલવા બાબતે પૂર્ણ ચર્ચા કરે અને નિરાકરણ લાવે તેવી કોલેજ સંચાલક મંડળની માંગ
ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વર્ષ-2017થી લાગૂ કરવામાં આવ્યો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 6 વર્ષ બાદ હવે એટલે કે વર્ષ-2023માં કોલેજોની જુદી-જુદી ફી ઉપર જીએસટી વસૂલવાનો તાજેતરમાં પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રમાં સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને નવી કોલેજો, નવો અભ્યાસક્રમ, નવું જોડાણ, વધારાનું જોડાણ, ચાલુ જોડાણ, કાયમી જોડાણ સહિતની જુદી-જુદી ફિમાં 18 ટકા જીએસટી વસૂલવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. જો કે, હવે કોલેજોએ છેલ્લા 6 વર્ષમાં લાખોનો ટેક્સ ભરવો પડે તેમ છે. આ બાબતથી કોલેજ સંચાલક મંડળ ખૂબ જ ખફા છે ત્યારે કોલેજ સંચાલક મંડળ મેદાને આવ્યું છે અને જણાવ્યું છે કે સૌ.યુનિ. જીએસટીનો પરિપત્ર રદ્ નહિં કરે તો કોર્ટના દ્વાર ખખડાવશું. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકાઉન્ટ વિભાગ સાથે સંચાલક મંડળની બેઠક યોજી જીએસટીની રકમ વસૂલવા બાબતે પૂર્ણ ચર્ચા કરે અને નિરાકરણ લાવે તેવી કોલેજ સંચાલક મંડળની માંગ કરી છે.
આ બાબતે કોલેજ સંચાલક મંડળના પ્રમુખ ડો.નિદત્ત બારોટે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા 6 વર્ષમાં ક્યારેય પણ જીએસટીની સહિતની ફિ ભરવાની છે તે અંગે પરિપત્ર કર્યો ન હતો. સૌરાષ્ટ્રની તમામ સંલગ્ન કોલેજો બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ-1950 હેઠળ નોંધાયેલા ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજો છે. 2017 પહેલા પણ જ્યારે સર્વિસ ટેક્સનો કાયદો અમલમાં હતો ત્યારે કોલેજો પાસે જીએસટી 18 ટકા લેખે માંગવાનું નક્કી કર્યું છે. તે કાયદાકીય રીતે ગેરબંધારણીય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઇપણ નિર્ણય પાછલી અસરથી લાગૂ કરી શકે નહિં. યુનિવર્સિટી દ્વારા જોડાણ ઉપરાંત પરીક્ષા સહિતની ફિ લેવાતી હોય ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને જતા રહ્યા હોય પાછલી તારીખથી કોઇપણ પ્રકારનો જીએસટી કોલેજ દ્વારા ચૂકવવાનો થતો હોય તે શક્ય બને નહિં. યુનિવર્સિટી બેકાળજીભર્યા વહિવટને કારણે કોલેજો ઉપર પાછલી અસરથી જીએસટી અને તેની ઉપરની પેનલ્ટી, તેનો દંડ અને વ્યાજ આ બધું ચૂકવવાનું રહેશે. તે ગેરબંધારણીય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ સંચાલક મંડળ આ પરિપત્રનો વિરોધ કરે છે અને જરૂર પડ્યે કાયદાકીય લડત પણ હાથ ધરશે. યુનિવર્સિટીને અમારે એટલું જ ધ્યાન દોરવું છે કે એકાઉન્ટ વિભાગ સાથે સંચાલક મંડળની બેઠક યોજી આ વિષયની પૂર્ણ ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરે. જો આવું ન થયું તો અમો જરૂરથી કોર્ટના દ્વાર ખખડાવશું.