ઠેબચડા લઇ જઇ ક્રાઇમ બ્રાન્ચે કાયદાના પાઠ ભણાવ્યા: રિમાન્ડ પુરા થતા ત્રણેય જેલ હવાલે: અક્ષિત છાયા સહિતના શખ્સોની શોધખોળ
ઠેબચડાના લખધિરસિંહ જાડેજાની હત્યાના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયેલા ત્રણેય શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઠેબચડા લઇ જઇ આકરી સરભરા કરી કાયદાના પાઠ ભણાવ્યા છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા ભુગર્ભમાં ઉતરી ગયેલા કહેવાતા એડવોકેટ સહિતના શખ્સોની પોલીસે શોધખોળ હાથધરી છે.
ગત તા.૨૯મી જાન્યુઆરીએ ઠેબચડાના લખધિરસિંહ નવુભા જાડેજાની હત્યા અને તેના કુટુંબીજનો પર તલવાર, ધારિયા, દાતરડા અને કોદારીથી ખૂની હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા છગન બીજલ રાઠોડ, મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણ રાઠોડ, કાન્તાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, રોનક નાથા વાડેર, ભૂપત નાથા વાઢેર અને નાથા જેરામ વાઢેરની ધરપકડ કરી હતી.
હત્યાના ગુનામાં સંડોવાયેલા અક્ષિત છાયા સહિતના શખ્સોની ધરપકડ બાકી હોવાથી અને હત્યાના ગુનામાં અન્ય કોની સંડોવણી છે તે અંગેની વિગત મેળવવા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે છગન બીજલ રાઠોડ, મગન બીજલ રાઠોડ અને મહેશ છગન રાઠોડને તા.૩ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો હતો.
ત્રણેયના રિમાન્ડ પુરા થાય તે પૂર્વે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઘટના સ્થળે લઇ જઇ ઘટના અંગેનું રિક્ધટ્રકશન કરાવ્યું હતું.
ઠેબચડામાં માથાભારેની છાપ ધરાવતા છગન રાઠોડ, મગન રાઠેડ અને મહેશ રાઠોડની ઠેબચડા ખાતે આકરી પૂછપરછ કરતા તમાસો જોવા ઠેબચડા ખાતે ટોળે ટોળા એકઠા થયા હતા. પોલીસે ત્રણેયને કાયદાના પાઠ ભણાવી કોર્ટમાં રજુ કરતા અદાલતે ત્રણેયને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.