Abtak Media Google News

દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા માટે કેન્દ્ર દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા ત્રણ નવા ફોજદારી કાયદા બિલ સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને પગલે સરકારે પાછા ખેંચી લીધા છે. સમિતિની ભલામણોના આધારે બિલના નવા સંસ્કરણો તૈયાર કરવામાં આવશે અને ચાલુ સપ્તાહમાં જ ત્રણેય બિલોને ફરીવાર ગૃહમાં રજૂ કરી દેવામાં આવશે.

સંસદીય સમિતિએ સૂચવેલા સુધારા માટે ત્રણેય બિલ સંસદમાંથી પરત ખેંચી લેવાયા

ભારતીય ન્યાયિક સંહિતા બિલ, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બિલ, 2023 અને ભારતીય પુરાવા બિલ, 2023ને 11 ઓગસ્ટના રોજ ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ત્રણ બિલ અનુક્રમે ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ત્રણેય બિલોને વિગતવાર મૂલ્યાંકન માટે સંસદની પસંદગી સમિતિને મોકલવામાં આવ્યા હતા અને સમિતિને ત્રણ મહિનામાં તેનો અહેવાલ સુપરત કરવાનું કહેવામાં આવ્યું હતું. લોકસભામાં બિલ રજૂ કરતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ બિલ લાવવાનો હેતુ સજા નહીં પરંતુ ન્યાય આપવાનો છે.

બિલ રજૂ કરતી વખતે શાહે કહ્યું હતું કે, હાલના કાયદાઓનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવાનું હતું અને તેની પાછળનો વિચાર સજા આપવાનો હતો નહીં કે ન્યાય આપવાનો પણ હવે તેમને બદલીને ભારતીય નાગરિકોના અધિકારોના રક્ષણના ઉદેશ્ય સાથે ત્રણ નવા કાયદા લાવવામાં આવશે.

સંસદીય સમિતિએ સૂચવેલા સુધારા અંગે જો વાટ કરવામાં આવે તો તેમાં મહત્વપૂર્ણ બાબતોમાં પ્રથમ ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડસણી અધિકૃતતા જાળવવી, સહસંમતિ વિનાના શારીરિક સંબંધો અંગે જોગવાઈ સહિતના સુધારા સૂચવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.