સવા અબજથી વધુ વસતી પૈકી કેટલાક કરોડ લોકો હિન્દુ કહેવાશે, અને ધર્મ-કર્મ-દિદાર બદલાશે કે એનાં એ રહેશે ? ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો આને પહેલો પ્રયોગ ગણી શકાય ? સમીક્ષકો માટે અધરૂં બનશે પૃથકકરણ !
ભારતમાં સલામતીનો ભરોસો વહીવટીતંત્ર ઉપર રાખી શકાય તેમ નથી એવો ચોંકાવનારો ધડાકો આ અગાઉ આરએસએસનાં વડા શ્રી મોહન ભાગવતે કર્યો હતો. હૈદરાબાદમાં બનેલા ઘાતકી બળાત્કારને અનુલક્ષીને તેમણે કર્યો હોવાનો ખ્યાલ ઉપસે છે.
તેમણે હવે નાગરિકતા સંશોધન ધારાએ આખા દેશમાં સર્જેલી સ્ફોટક (હિંસક) પરિસ્થિતિને નજરમાં રાખીને ‘હિન્દુ કોણ?’ ની નવી નવી વ્યાખ્યા આપી છે. અને આખા દેશને ચોંકાવ્યો છે! આને લીધે આ ધારાની એક વધુ આકરી કસોટી થવાનો સંભવ છે.
નવી નવી હિંસક વિરોધની ઘટનાઓ હજૂ ચાલુ જ રહી છે.દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા છે. કેન્દ્ર સરકારના મોટા માથાંઓ એકધારી સમજાવટ કરી રહ્યા છે. અને નવી નવી બાંહેધરીઓ આપી રહ્યા છે. તેમ છતા હિંસક વિરોધ પ્રદર્શનો શમતા નથી.
આવી હાલત વચ્ચે સંઘના વડાએ કરેલો ‘હિન્દુ’ અંગેનો ધડાકો બળતામાં ઘી હોમવા જેવો બની રહેવા જેવી સંભાવના ધરાવે છે.
શ્રી ભાગવતની જાહેરાતનું વિશ્ર્લેષણ એવો ખ્યાલ ઉપસાવે છે કે ભારતની સવા અબજ જેટલી વસ્તી હવે હિન્દુ કહેવાશે હિન્દુઓ અને બિન હિન્દુ લઘુમતિ કોમના લોકો પણ હિન્દુ કહેવાશે અને તેમના ધર્મ-કર્મ-દિદાર અંગે સવાલો ઉભા થશે. ભણતર બાબતમાં, પણ સવાલો ઉઠશે તેમજ રહેણીકરણી, જીવનશૈલી, ખાણીપીણી, અને મંદિર, મસ્જીદ, દેવળો, ગૂરૂદ્વારાઓ, તિર્થધામો, સાંસ્કૃતિકા પ્રણાલીઓ સંબંધમાં સંઘર્ષનાં આટાપાટા સર્જાશે! માણસ માણસ વચ્ચે નહિ તો માનસિકતા, પ્રણાલિકાઓ તેમજ કૌટુંમ્બિક સંબંધોની આળપંપાળ તો ટકરાવા જ !
નાગરિકતા ધારાની આ આડઅસરો સરવાળે ગંભીર બની રહેવાની જામગરી ધરાવે છે.
હિંસક -વિરોધ-પ્રદર્શનોમાં એની જ ગંધ આવે છે. હમણા સુધી ચાલુ રહેલા હિંસક પ્રદર્શનો હજુ કયાં જઈને અટકશે એનો ખ્યાલ દિલ્હી-ઉત્તર પ્રદેશની ઘટનાઓ ઉપરથી આવી શકે છે.
આ બધું ઘણાને લોલેલોલ સમું લાગતું હશે, પરંતુ સરવાળે એ ઉંડા અને અજાણ્યા પાણીમાં ઉતરવા જેવું જોખમી છે. અને આંતરિક એકતાને તથા પારસ્પરિક ભરોસાને છીન્નભીન કરે તેમ છે અને દેશને કમજોર કરે તેમ છે.
આખરે તો, કોઈપણ રાષ્ટ્રની આંતરિક એકતા જ એની ખરેખરી તાકાત અને ખરેખરૂં સામર્થ્ય હોય છે, જે લશ્કરી તાકાત જેવી ગરજ સારે છે.
કયાંક કયાંક જેવી ટકોર પણ થઈ રહી છે. કે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કલ્નાને સિધ્ધ કરવાનો આ પહેલો પ્રયોગ હોઈ શકે, પરંતુ એ પહેલા તો હજુ આ દેશની સંભવિત બરબાદીનાં ઘણા પાણી વહેશે એવી આગાહી થઈ શકે છે !
કોઈપણ પ્રશ્ર્ને હિંસક તોફાનો કરવાની અને હલકટ રાજકીય લડાઈઓ લડવાની આદત આપણા રાજકીય ક્ષેત્રે અને રાજપુરૂષોએ પાડી છે. એ કોઈ પણ વખતે વર્ગવિગ્રહમાં ફેરવાઈ જઈ શકે છે. દેશ પ્રેમનો દુકાળ પડયો છે. કેટલાક લોકોતો દેશને વેંચી નાખવા સુધી હલકટાઈ આચરે એટલી હદે સ્વાર્થી માનસિકતા ધરાવતા થયા છે.
શ્રી મોહન ભાગવતના વિધાનોને કેન્દ્ર સરકારની સ્વીકૃતિ છે કે કેમ, એની જાણ આ દેશના લોકોને થવી જોઈએ અમે કહ્યા વિના છૂટકો નથી!