બાન લેબમાં ૭૫ ટકા હિસ્સો ખરીદતી ઈકવીટી ફર્મ ટ્રુ નોર્થ ત્રણ મહિના બાદ સ્થાનિક ટીમને ટેકઓવર કરશે
સેસા પોતાની ઓળખ હોવાથી મૌલેશભાઈ ઉકાણીએ ૨૫ ટકા હિસ્સો પોતાની પાસે રાખ્યો
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ગ્રાહકોના દિલ જીતનાર બાન લેબ્સની સેસા બ્રાન્ડનો ૭૫ ટકા હિસ્સો ઈકવીટી ફર્મ ટ્રુ નોર્થ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે નવા નામ સેસા કેર પ્રા.લી.નો તમામ વ્યવહાર હવે બેંગલુરુથી થશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ હેર ઓઈલ કેટેગરીમાં ગ્રોથ નથી. ૧૫ થી ૨૦ ટકા આ ક્ષેત્રનું બજાર ડાઉન છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ૨ થી ૩ મહિના બાદ ટ્રુ નોર્થ સ્થાનિક ટીમને ટેક ઓવર કરશે ત્યાં સુધી બ્રાન્ડની માર્કેટીંગ સ્ટ્રેટેજી અને કામ કરવાની પઘ્ધતિને સમજશે. બંને કંપનીઓ વચ્ચેનો સોદો રૂ.૭૦૦ કરોડમાં થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાન-સેસા મૌલેશભાઈ ઓળખ હોવાથી તેમણે ૨૫ ટકા હિસ્સો પોતાની પાસે રાખ્યો છે. સંતાનોને ડેવલપમેન્ટમાં વધુ રસ હોવાના કારણે નવા ક્ષેત્રમાં ઝંપલાવે તેવી શકયતા છે. મૌલેશભાઈએ કંપનીની ઈથિકલ પ્રોડકટ પોતાની પાસે રાખી હોવાનું સુત્રોનું કહેવું છે. અગાઉ કેડીલા સાથે પણ બાન લેબ્સના જોડાણની વાત ચાલી રહી હતી પરંતુ કોઈ કારણસર અટકી પડી હતી. સૌરાષ્ટ્રના સાહસિક ઉધોગપતિ જેમની ગણના થાય છે તેવા રાજકોટના મૌલેશ ઉકાણીની બાન લેબ, સેસા બ્રાન્ડનો મસમોટો સોદો થયા બાદ હવે ટ્રુ નોર્થ કંપની બાન લેબ્સનો બિઝનેસ વધુ આગળ ધપાવશે. હાલ બાન લેબ્સના નેજા હેઠળ ડો.કેર ડીટર્જન્ટ અને ડીશવોશ લીકવીડ તથા ચાર્મ એન્ડ ગ્લોવ સ્કીન કેર પ્રોડકટ પણ બજારમાં છે.