જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને એઆરઓ મત ગણતરી અંગે તાલીમ મેળવશે: મત ગણતરી કેન્દ્રની વ્યવસ્થાની કામગીરી પુરજોશમાં, હવે માત્ર ટેબલ અને બેરીકેટેડ ગોઠવવાના બાકી
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની તાલીમનું ગાંધીનગર ખાતે આગામી ૧૭મીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને એઆરઓ ઉપસ્થિત રહી મત ગણતરી અંગે તાલીમ મેળવશે.
રાજકોટ સહિત સમગ્ર રાજયમાં આગામી તા.૨૩ મેના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરીને લગતી તૈયારીઓ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
મત ગણતરીની પ્રક્રિયા સરળતાથી થઈ શકે કોઈ ભુલ થવાની શકયતા નહીંવત રહે તેવા આશયથી ચૂંટણીપંચ દ્વારા ૧૭મીએ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ તેમજ તમામ વિધાનસભા બેઠકના એઆરઓ ઉપસ્થિત રહીને મત ગણતરી અંગેની તાલીમ મેળવશે.
ઉલ્લેખનીય છે કે, ૨૩મીએ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે ૨૧મીએ તમામ મત ગણતરી કેન્દ્રોને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવાનો ચૂંટણીપંચે આદેશ આપ્યો છે. જેના પગલે હાલ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી કેન્દ્ર ખાતે વ્યવસ્થા ગોઠવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તાએ કણકોટ ખાતે આવેલ મત ગણતરી કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી. હાલ આ મત ગણતરી કેન્દ્રમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ચૂકી છે. માત્ર ટેબલ અને બેરીકેટેડ ગોઠવવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચના આદેશ પ્રમાણે આગામી તા.૨૧મીના રોજ મત ગણતરી કેન્દ્રને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવનાર છે. જો કે, આ પૂર્વે તા.૨૦ના રોજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા મત ગણતરી કેન્દ્રની અંતિમ ચકાસણી કરવાના છે.