દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું રાજકોટમાં ટુંકુ રોકાણ: શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે બપોરે રાજધાની દિલ્હી જતા પૂર્વે રાજકોટમાં ટુંકુ રોકાણ કર્યું હતું. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપી હતી. આ તકે તેઓએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, માત્ર શંકરસિંહ વાઘેલાના જુથના નહીં પરંતુ કોંગ્રેસનો સાથ છોડનાર તમામ ધારાસભ્યોનો ભાજપમાં સમાવેશ કરવામાં આવશે.
આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ હવાઈ માર્ગે સીધા માદરે વતન આવ્યા હતા. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં મહાદેવની આરાધના કર્યા બાદ ભોજન સમારંભ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી આ ભોજન સમારંભમાં સામેલ થયા હતા અને રાજકોટ ખાતે ટુંકુ રોકાણ કર્યું હતું. આ તકે તેઓએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી ૨૩ ઓગસ્ટના રોજ જામનગર ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં કોંગ્રેસનો સાથ છોડનાર ધારાસભ્ય હકુભા અને રાઘવજીભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. માત્ર શંકરસિંહ વાઘેલા જુથના નહીં પરંતુ કોંગ્રેસમાંથી વિખુટા પડેલા તમામને ભાજપમાં સમાવેશ કરવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્વાઈન ફલુને નાથવા માટે રાજય સરકાર ખુબ જ ગંભીર છે. સ્વાઈન ફલુ મામલે લોકો વેન્ટીલેટર સુધી ન પહોંચે તે માટે તંત્રને સુચના આપી દેવામાં આવી છે. રાજયની તમામ મહાપાલિકાઓને હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ૨૪ કલાક સફાઈ અંગેના આદેશો આપી દેવાયા છે. ટેમી ફલુની દવાઓ ડોકટરના પ્રિસ્ક્રીપશનના આધારે સરકારી મેડિકલ સ્ટોર પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.
તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્હી ગયેલા કોંગ્રેસના તમામ ૪૩ ધારાસભ્યો આગામી વિધાનસભાની ચુંટણીમાં હારશે. કોંગ્રેસના ધારાસભ્યોને પ્રજા પરચો બતાવશે.
તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગુજરાતમાં સ્વાઈન ફલુ ધીમે-ધીમે કાબુમાં આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનો આજનો રાજકોટનો કાર્યક્રમ નિશ્ર્ચિત ન હતો પરંતુ દિલ્હી જતા પૂર્વે તેઓ રાજકોટમાં ટુંકુ રોકાણ કર્યું હતું અને શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં સામેલ થયા હતા.