જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સ્ટડી સેન્ટર, મુલાકાત કક્ષ, વહીવટી બિલ્ડીંગ અને આંગણવાડીને ખૂલ્લું મુકતા જેલ વડા
કેદી પરિવારજનો સાથે વાત કરી શકે તે માટે 25 ફોન મૂકવામાં આવશે
રાજયની જેલ સુધારણા અંતર્ગત કેદીઓનાં સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તે માટે એડીશ્નલ ડી.જી. અને રાજયના જેલ વડા ડો.કે.એલ. એન. રાવ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલની વિઝીટ કરી હતી જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ કર્યું હતુ.
રાજકોટ મધ્યસ્થ જેલ હસ્તકના નવનિર્મિત સ્ટડી સેન્ટર, મુલાકાત કક્ષ અને વહીવટી બિલ્ડીંગ તેમજ આંગણવાડીનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત એ.જી.ચોક કાલાવડ રોડ ખાતે આવેલ પ્રિઝન રેસ્ટોરન્ટનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની 33 જેલ માટે સેન્ટ્રલી કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે.જે જેલમાં સીસીટીવી નથી ત્યાં વસાવવામાં આવશે.રાજ્યની તમામ જેલનું મોનિટરીંગ એક સ્થળેથી થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આંગણવાડી, લાઇબ્રેરી અને આધુનિક મુલાકાત રૂમનું લોકાર્પણ રાજ્યના જેલના વડા ડો.રાવના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ જેલની પ્રવૃત્તિ એક જ સ્થળેથી નિહાળી શકાય તે માટે આગામી દિવસોમાં સેન્ટ્રલાઇઝ્ડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સિસ્ટમ અમલી કરાશે તેવો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.
વધુમાં રાજ્યના જેલ વડા ડો.કે.એલ.એન રાવે જણાવ્યું હતું કે, જેલમાં રહેલા કેદીઓને સારી સુવિધા મળી રહે તે માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ જેલમાં લાઇબ્રેરી વીથ સ્ટડી સેન્ટર, મહિલા કેદીઓનાં બાળકો તેમજ જેલ સ્ટાફનાં બાળકો માટે આંગણવાડી, કેદીઓની મુલાકાત માટેનો અત્યાધુનિક મુલાકાત રૂમ અને વહીવટી ઓફિસ તથા કાલાવડ રોડ પર પ્રિઝન રેસ્ટોરન્ટના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે,
ડો.રાવે કહ્યું હતું કે, જેલમાં રહેલી મહિલા કેદીઓના બાળકો કોઇપણ વાંક વગર સજાનો ભોગ બને નહીં અને તેમને સુવિધા મળી રહે તે માટે જેલમાં આંગણવાડી શરૂ કરવામાં આવી છે, મુલાકાતી રૂમમાં 25 ફોન મુકવામાં આવ્યા છે જેથી કેદી અને તેના પરિવારજનો સારી રીતે મળીને વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને જેલકાળ દરમિયાન કેદીઓ સારાં પુસ્તકો વાંચીને પોતાની વિચારધારામાં બદલાવ લાવી શકે તે માટે લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. આ તકે જેલ સુપ્રિટેન્ડેટ બનો જોષી સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.