આતંકીઓએ મોટી ભૂલ કરી જેની કિંમત ચૂકવવી પડશે, હુમલા પાછળ જે તાકાત હશે તેને સજા આપવામાં આવશે: મોદી
વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલી કેબિનેટ કમિટીની બેઠક પછી વડાપ્રધાન ’વંદે માતરમ’ ટ્રેનનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતા.આ દરમિયાન કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હુમલાખોરોને સજા ચોક્કસથી મળશે.અમે તે માટે સેનાને દરેક પ્રકારની છૂટ આપી દીધી છે. મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું છે કે, તેઓ જે રસ્તા પર જઈ રહ્યા છે ત્યાં માત્ર બરબાદી જ છે. ભારત આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તો કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હાલના સમયે સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકાર અને સેના સાથે હોવાનું જણાવ્યું છે.
મોદીએ કહ્યું કે, આતંકી હુમલાના કારણે લોકોમાં જે આક્રોશ છે એને હું ખૂબ સારી રીતે સમજી શકુ છું. હાલ જે દેશની અપેક્ષા છે, કંઈક કરી બતાવવાની ભાવના છે તે સ્વાભાવિક છે. આપણી સેનાને સંપૂર્ણ આઝાદી આપી દેવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, દેશભક્તિમાં રંગાયેલા લોકો સાચી માહિતી એજન્સી સુધી પહોંચાડશે. જેથી આપણી લડાઈ વધારે મજબૂત બની શકે.
આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે: મોદીએ કહ્યું, હું આતંકીઓ અને તેમના સમર્થકોને કહેવા માંગુ છું કે, તેમણે ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેમણે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે, હુમલાની પાછળ જે પણ તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તે માટે સજા આપવામાં આવશે. જે લોકો અમારી નિંદા કરી રહ્યા છે તેમની લાગણી હું સમજી શકુ છું.
પાકિસ્તાની ઈચ્છાઓ ક્યારેય પૂરી નહીં થાય: વડાપ્રધાને કહ્યું, પક્ષ અથવા વિપક્ષ અમે બધા આ મામલે રાજનીતિથી દૂર રહીશું. દેશ એકજૂથ થઈને આ હુમલાનો મુકાબલો કરશે. સમગ્ર દેશનો એક જ અવાજ છે અને તે આખા વિશ્વમાં સંભળાવવો જોઈએ. કારણ કે આપણે આ લડાઈ જીતવા માટે લડી રહ્યા છીએ. આખી દુનિયામાં એકલું પડી ગયેલુ પાકિસ્તાન જો એવું વિચારતું હોય કે, આતંકી ગતિવિધિઓથી તેઓ ભારતને અસ્થિર કરી દેશે, તો તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. પડોશી દેશને લાગે છે કે, તેઓ આવા હુમલા કરીને ભારતને પરેશાન કરી શકે છે તો તેમની આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થવા દઈએ.
જેણે નફરત ફેલાવી તે બરબાદ થઈ ગયું: મોદીએ કહ્યું કે, સમયે સાબીત કરી દીધું છે કે, જ્યારે પણ કોઈએ નફરત ફેલાવી છે તે બરબાદ થઈ ગયા છે. આ સંજોગોમાં ભારત આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. ઘણાં મોટા દેશોએ આકરા શબ્દોમાં આ હુમલાની નિંદા કરી છે. તેમણે ભારતના સમર્થન અને સાથે ઉભા હોવાની ભાવના વ્યક્ત કરી છે. હું દરેકને કહુ છું કે, આતંક વિરુદ્ધ માનવતાવાદી શક્તિઓથી લડવું પડશે. આપણે આતંકને હરાવવું જ પડશે. એક અવાજ અને એક દિશામાં ચાલીશું તો આતંકવાદ ટકી નહીં શકે.
હાલ સમગ્ર વિપક્ષ સરકાર અને સેનાની સાથે- રાહુલ ગાંધી: પુલવામા હુમલા અંગે કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર વિપક્ષ હાલ ભારત સરકાર અને સેનાની સાથે છે. આ હુમલો ઘણો મોટો છે, આતંકીઓનો હેતુ દેશના ભાગલા પાડવાનો છે. રાહુલે કહ્યું કે અમે દરેક શહીદ પરિવારની સાથે ઊભા છીએ દેશને કોઈ જ શક્તી નહીં તોડી શકે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે દેશ હાલની પરીસ્થિતિમાં એક સાથે ઊભો છે. અમે લોકો સરકાર અને સેનાની સાથે છીએ.
મોદી સરકારનો મોટો નિર્ણય: પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લીધો
જમ્મુ કાશ્મીરના પુલવામામાં પર થયેલા આતંકી હુમલા વિશે રાખવામાં આવેલી કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટીની બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી પણ સામેલ થયા હતા. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી.
બેઠક પછી અરુણ મીડિયા સાથે કરી વાત: CSSની બેઠક પછી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં અરુણ જેટલીએ જણાવ્યું કે, આ બેઠકમાં પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, જે જવાનો શહીદ થયા છે દેશને તમના પર ગર્વ છે.
વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલું પાડી દેવાના દરેક સંભવિત પ્રયત્નો કરશે. બેઠકમાં થયેલા દરેક નિર્ણયને જાહેર કરી શકાય તેમ નથી. જોકે બેઠકમાં પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને કુટનીતિ સ્તર પર ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર તરફથી શનિવારે સર્વપક્ષની બેઠક બોલાવવામાં આવી છે પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવશે. સર્વપક્ષની બેઠકની આગેવાની ગૃહમંત્રી રાજનાથ સિંહ કરશે.
NIAને તપાસ સોંપવામાં આવી: જમ્મુ કાશ્મીરના લેથપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં ૪૪ જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ ગઈંઅને સોંપવામાં આવી છે. એનઆઈએની ૧૨ સભ્યોની ટીમ શુક્રવારે હુમલાવાળી જગ્યાએ ફોરેન્સિક પુરાવા ભેગા કરવા જશે. આ ટીમમાં એક આઈજી રેન્કના ઓફિસરને પણ સામેલ કરવામાં આવ્યા છે.
સૌથી મોટો આતંકી હુમલો: જમ્મુથી શ્રીનગર જતી સીઆરપીએફની ૭૮ ગાડીઓના કાફલા પર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. આ કાફલામાં ૨૫૪૭ જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. વિસ્ફોટકથી ભરેલી ગાડી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં ઓક્ટોબર ૨૦૦૧માં કાશ્મીર વિધાનસભા ઉપર પણ આ પ્રકારનો જ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ૩૮ લોકોના મોત થયા હતા.
શ્રીનગરની મુલાકાત લેશે રાજનાથ સિંહ: ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે સીઆરપીએફના કાફલા પર હુમલાની માહિતી મેળવવા માટે શ્રીનગર જશે. તે સિવાય તેઓ અહીં સિનિયર સુરક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેમાં આગામી કાર્યવાહી વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
એનએસજીના બ્લેક કેટ કમાન્ડો શ્રીનગર મોકલવામાં આવશે: તપાસ માટે એનઆઈએની સાથે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ના એન્ટી ટેરર એક્સપર્ટ પણ શ્રીનગર જશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એનએસજીના બ્લેક કેટ કમાન્ડોની ફોર્સના વિસ્ફોટક એક્સપર્ટની એક ટીમ પણ એનઆઈએની મદદ કરશે. માનવામાં આવે છે કે, આતંકીએ જે ગાડીથી સીઆરપીએફની ગાડી પર હુમલો કર્યો છે તેમાં ૧૦૦ કિલો વિસ્ફોટ ભરવામાં આવ્યો હતો.
કેવી રીતે કરાયો હુમલો?: જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાન્ડોએ ગુરુવારે બપોરે ૩.૧૫ વાગે આત્મઘાતી હુમલો કર્યો હતો. તેણે એક ગાડીમાં વિસ્ફોટ ભરીને રાખ્યા હતા. જેવો સીઆરપીએફનો કાફલો લેથપોરાથી પસાર થયો આતંકીએ રોંગ સાઈડમાં આવીને તેની કાર જવાનો બેઠા હતા તે બસ સાથે અથડાવી દીધી હતી. જે બસને હુમલા માટે ટાર્ગેટ કરવામાં આવી હતી તેમાં ૭૬મી બટાલિયન હતી અને તેમાં ૩૯ જવાન હતા. માનવામાં આવે છે કે, આદિલે તે ગાડીમાં ૧૦૦ કિલો વિસ્ફોટ ભરી રાખ્યો હતો. પુલવામાના કાકાપોરામાં રહેતો આદિલ ૨૦૧૮માં જૈશમાં સામેલ થયો હતો.