કાર્પેટ એરીયા મુજબ મિલકત આકારણીની કામગીરી પૂર્ણ: નવી સવા લાખ મિલકતો મળી આવી
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી મિલકત વેરામાં કાર્પેટ એરીયાની અમલવારી કરવામાં આવનાર છે. શહેરના તમામ વોર્ડમાં કાર્પેટ આરીયા મુજબ મિલકતની આકારણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ક્રોસ વેરીફીકેશનની કામગીરી આટોપી લેવામાં આવશે. દરમિયાન શહેરના ૧૮ વોર્ડમાં આવેલી ચાર લાખ મિલકતોને નવા ઘર નંબર આપવામાં આવશે. જેમાં નવા વોર્ડનો પણ ઉલ્લેખ કરાશે.
આ અંગે ટેકસ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મિલકતોની કાર્પેટ એરીયા મુજબ આકારણીની કામગીરી અહંદઅંશે પૂર્ણ થઈ જવા પામી છે અને ૯૦ ટકાથી વધુ મિલકતોનું ક્રોસ વેરીફીકેશન કરી લેવામાં આવ્યું છે. શહેરમાં કુલ ચાર લાખ જેટલી મિલકતો મળી આવી છે. હાલ મહાપાલિકાના ચોપડે ૨.૮૯ લાખ મિલકતો નોંધાયેલી છે. નવી સવા લાખ જેટલી મિલકતો મળી આવી હોય ટેકસની આવકમાં કરોડો ‚પિયાનો વધારો નોંધાય તેવી પ્રબળ સંભાવના છે. હયાત મિલકતોને ૧૩ આંકડાનો ઘર નંબર આપવામાં આવ્યો છે.
૨ લાખથી વધુ મિલકતો એવી છે જેનો ઘર નંબર આપવામાં આવ્યો નથી અને અપાયો હોય તો ઘર અને નળના અલગ અલગ વેરાબીલો આવે છે. આ બન્નેને લીંક કરી દેવામાં આવશે અને તમામ ચાર લાખ મિલકતોને નવેસરથી ૧૩ આકડાવાળો નવો ઘર નંબર આપવામાં આવશે. જેમાં નવા સિમાંકન મુજબના વોર્ડનો પણ સમાવેશ કરવામાં આવશે.
ટેકસ બ્રાન્ચના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ગત ૧૧મી એપ્રિલથી ટેકસ બ્રાન્ચ દ્વારા વેરા વળતર યોજના શ‚ કરવામાં આવી હતી. જે અંતર્ગત ૩૦મી જૂન સુધીમાં ૧.૮૦ લાખ કરદાતાઓએ એડવાન્સ ટેકસ પેટે મહાપાલિકાની તિજોરીમાં ૧૩૧.૪૦ કરોડ ‚પિયા જમા કરાવી દીધા છે. તેઓને ૧૦ કરોડથી પણ વધુનું વળતર આપવામાં આવ્યું છે. મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર ૩ માસના ટૂંકા સમયગાળામાં ૪૯ હજારથી વધુ કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કર્યો છે.
વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ હવે કાર્પેટ એરીયા મુજબ મિલકતની આકારણીની કામગીરી વધુ વેગવંતી બનાવી દેવામાં આવશે અને તમામ ચાર લાખ મિલકતોને નવા ઘર નંબર આપવાની કામગીરી શ‚ કરવામાં આવશે. આ ઉપરાંત હાર્ડ રીકવરીનો દોર પણ શરુ કરશે.