કોરોનાનાં વધતા કહેરનાં કારણે બે તબકકામાં યોજાનાર પરીક્ષા પાછી ઠેલવાઈ
એકબાજુ કોરોનાનો વધતો કહેર અને બીજીબાજુ રાજયભરમાં યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષાની તારીખો જાહેર થઈ ચુકી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીનાં ૧ લાખ વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૨૫મી જુનથી લેવામાં આવનારી પરીક્ષાઓ પાછી ઠેલવાઈ છે હવે એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૦મી જુલાઈ બાદ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, બરોડા સહિતનાં મોટા શહેરોમાં કોરોનાનાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આગામી ૨૫મી જુનથી પરીક્ષા યોજાનાર હતી જોકે હવે કોરોનાનાં વધી રહેલા કેસને ધ્યાને લઈ પરીક્ષાની તારીખ પાછળ ઠેલવાઈ છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જોડાયેલા એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે ૧૦મી જુલાઈ બાદ લેવામાં આવશે અને આ તમામ પરીક્ષાઓ બે તબકકામાં યોજાશે જેનું ટાઈમટેબલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ ૨૫મી જુનથી યોજાનાર છે જોકે સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ઓછો હોય આ પરીક્ષાઓ પાછળ ઠેલવાઈ તેવી હાલની પરિસ્થિતિ લાગતું નથી પરંતુ અમદાવાદ, સુરત અને બરોડા સહિત ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોરોનાનો ખતરો વધુ હોય વિદ્યાર્થીનાં હિતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ પરીક્ષાઓ પાછી ઠેલવી દેવામાં આવી છે.