- વીમો પકવવા પિતાએ અન્ય આરોપીઓ સાથે મળી જુવાનજોધ દીકરાને ગુમ થયેલો જાહેર કરી તેનું ઢીમ ઢાળી દીધું તું
રાજકોટમાં વીમો પકવવાના હેતુથી પિતાએ અન્ય આરોપીઓ સાથે મળી કાવતરૂં રચી પોતાના જ જુવાનજોધ દીકરાને ગુમ થયેલો જાહેર કરી તેની હત્યા નીપજાવ્યાના નવ વર્ષ પહેલાંના ચકચારી કેસમાં સેશન્સ કોર્ટે પિતા સહિતના તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
2016ની સાલના આ કેસની હકીકત મુજબ, જે તે સમયે રાજકોટ મહાનગરપાલિકાના ક્લાર્ક રહી ચૂકેલા અને મનહરપ્લોટ શેરી નં. 14માં રહેતા સ્મીતાબેન નારણભાઈ વસોયાએ પોતાનો મોટો પુત્ર દીપેશ ગુમ થઈ ગયેલ હોવાની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જે પછી રૈયાધાર પાસેથી દીપેશની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી હતી. જે અંગે તા.22/ 06/ 2016ના રોજ સ્મીતાબેને અજાણ્યા શખ્સો સામે યુનિવર્સિટી પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં ખુલ્યું હતું કે, દીપેશના પિતા નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા એ.જી.ઓફિસમાં નોકરી બાદ નિવૃત્ત થયા હતા. દીપેશ કુવાડવા રોડ ઉપર આવેલ કૌશીક કોટન કોર્પોરેશન નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. દીપેશ પાસે બે ફોન હતા પણ એક ફોન તા. 21/ 6/ 2016નાં રોજ મળતો નહોતો. પછી તેણે પોતાના માતાને વાત કરેલી કે, ફોન કોઈ વ્યક્તિને મળેલ છે. તે વ્યક્તિએ 150 ફૂટ રિંગ રોડ ગોકુલ મથુરા બિલ્ડીંગ પાસે આવી ફોન લઈ જવા જણાવેલ છે. દીપેશ ત્યાં ગયા બાદ પરત આવ્યો નહોતો. અને તેની રૈયાધાર વિસ્તારમાંથી લાશ મળી હતી. જેની તપાસમાં ખુલ્યું હતું કે, નારણભાઇને દીપેશ પોતાનો પુત્ર છે એ બાબતે શંકા હતી. બંને વચ્ચે મકાન વેચવા બાબતે વિરોધ હતો. અને દીપેશે 10 લાખનો વીમો પણ ઉતરાવ્યો હતો. જેથી નારણભાઇએ અન્ય આરોપીઓ મનસુખ ઓધવજી વાડોલીયા અને રવિ છગન વાડોલીયાને પોતાના જ પુત્રની હત્યા કરવા સોપારી આપી હતી અને વીમા પોલિસીમાંથી બાકી રહેતી રકમ આપવાનું નક્કી કરેલ હતું. ત્રણેય આરોપીઓએ મોબાઈલ ફોન માટે ફોન દ્વા2ા દીપેશને બોલાવી, અવાવરૂં જગ્યાએ લઈ જઈ આડેધડ માર મારી મોત નીપજાવી લાશને ખાડામાં ફેંકી દીધેલ હતી.
આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષે 41 દસ્તાવેજી પુરાવા, 28 સાહેદોને તપાસ્યા હતા. તેમજ આરોપી વતી રોકાયેલ એડવોકેટ અંશ ભારદ્વાજે કોર્ટમાં દલીલ કરેલી કે, સમગ્ર કેસ સાંયોગીક પુરાવાનો કેસ છે. આવા કેસમાં તપાસ કરનાર પોલીસ અમલદા2ની જુબાની ખુબ જ મહત્વ ધરાવે છે. તપાસ કરનાર અમલદારે કોર્ટ સમક્ષ સ્વીકારેલ છે કે, મરણજનાર દીપેશ કૌશીક કોટન કોર્પોરેશનમાં નોકરી કરતો, જ્યાં તે બનાવની રાત્રીના 9 વાગ્યા સુધી હતો, તપાસ કરનારે તેવું સ્વીકારેલ છે કે દીપેશને છેલ્લે એક રામજી નામની વ્યકિત સાથે જોવામાં આવેલ. જે રામજીભાઈ કોણ છે? તે જાણવાની કે તેવા રામજીભાઈનું નિવેદન લેવાની તજવીજ પોલીસે કરી જ નથી. તેમજ બનાવ અગાઉ મરણજનારને આરોપીઓ કે તે પૈકી કોઈ આરોપીની સાથે જતા જોયેલ હોય તેવો પણ લેશમાત્ર પુરાવો નથી,
તપાસ કરનાર અમલદારની જુબાનીને ધ્યાને લઈ તેમજ સાંયોગીક પુરાવાની કડી પ્રસ્થાપિત ન થઈ હોવાની હકીકત પણ ઘ્યાને લઈ હાલના ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ, જે મતલબની દલીલો અને રજૂ રાખેલા વિવિધ કોર્ટનાં ચુકાદા ધ્યાને લઈ રાજકોટના એડિશનલ સેશન્સ જજ પી. જે. તમાકુવાલાએ ત્રણેય આરોપીઓ નારણ લવજીભાઈ વસોયા, મનસુખ ઓધવજી વાડોલીયા અને રવિ છગન વાડોલીયાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત રોકાયા હતા.