બોમ્બે હાઈકોર્ટે હર્ષદ મહેતાના ભાઈ અશ્ર્વિન મહેતા સહિતના આઠ આરોપીને નિર્દોષ ઠેરવ્યા
ગુનો સાબીત કરવા પુરાવા રજૂ કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો હોવાની નોંધ લેતી અદાલત
હર્ષદ મહેતાના સિક્યોરીટીઝ કૌભાંડના ૨૬ વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો છે. એસબીઆઈ કેપ્સને રૂ.૧૦૫ કરોડનો ધુંબો મારવાના આરોપમાં કુલ ૮ આરોપીઓને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. આરોપીઓ સામે પુરાવા રજૂ ન થઈ શકયા હોવાથી શંકાનો લાભ અપાયો છે.
દેશને હચમચાવનારા હર્ષદ મહેતાના સિક્યોરિટીઝ સ્કેમના ૨૬ વર્ષ બાદ બોમ્બે હાઈ કોર્ટે એસબીઆઈ કેપ્સને રૂપિયા ૧૦૫ કરોડનો ચૂનો ચોપડનારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અને એસબીઆઈ કેપ્સના સાત તેમ જ અન્ય ત્રણને ગુરુવારે છોડી મૂક્યા હતા. આમાં હર્ષદ મહેતાની કંપની સાથે સંકળાયેલા એક શેરબ્રોકરનો પણ સમાવેશ થતો હતો.
જસ્ટિસ શાલિની ફનસલકર-જોશીની ખાસ અદાલતે આરોપીઓ સોના આક્ષેપો પુરવાર કરવામાં સીબીઆઈના બેન્કિંગ, સિક્યોરિટીઝ અને ફ્રોડ ડિવિઝનો નિષ્ફળ ગયા હોવાની નોંધ લઈને આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.
સીબીઆઈએ એવો આરોપ લગાવ્યો હતો કે, પ્રમુખ આરોપી રમા સિતારામન, સી. રવિકુમાર અને હર્ષદ મહેતાએ અન્યોની મદદથી સિક્યોરિટી સ્કેમનું કાવતરું ઘડયું હતું. આના ભાગરૂપે તેમણે ૧૯૯૧થી ૯૨ દરમિયાન સિક્યોરિટીઝ ખરીદ – વેચાણના સોદાઓ દ્વારા એસબીઆઈ કેપ્સ સાથે રૂપિયા ૧૦૫ કરોડની છેતરપિંડી કરી હતી.
એસબીઆઈ કેપ્સના જનાર્દન બંદોપાધ્યાયે કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈની તપાસ બાદ વધુ આરોપીઓને એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યા હતા. સીબીઆઈએ ૧૫૪ સાક્ષીઓનાં નિવેદનો અને પોતાના કેસના ટેકામાં દસ્તાવેજો રજૂ કર્યા હોવા છતાં પુરાવાના અભાવે ૧૭માંના સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. હર્ષદ મહેતાનું ૨૦૦૧માં મૃત્યુ થયા બાદ તેમની સામેનો ખટલો પડતો મૂકવામાં આવ્યો હતો.