પાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીના વેપારીઓ, કરીયાણાના વેપારીઓ, પાણીના ધંધાર્થીઓ તેમજ ઇલેક્ટ્રિશિયન સહિતનાના એન્ટીજન ટેસ્ટ કરી પાસ કાઢી દેવામાં આવશે
રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. ત્યારે સુપર સ્પ્રેડર્સ જોખમી ન બને તે માટે સમગ્ર જિલ્લામાં તેઓના ટેસ્ટ કરવાનો જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીઓને આદેશ કર્યો છે. ઘણા તાલુકાઓમાં ટેસ્ટિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓના હાઈ પાવર ડેલીગેશન સાથે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ ટેસ્ટ બમણા કરવાની તેમજ તમામ સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી હતી.
જેને પગલે જિલ્લામાં કલેકટર રેમ્યા મોહન દ્વારા તમામ પ્રાંત અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરની સુચનાને પગલે તમામ તાલુકાઓમાં સુપરસ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ કરવાની કામગીરીનું આયોજન ઘડાઈ ગયું છે. ઘણા તાલુકાઓમાં આ કામગીરી શરૂ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં તમામ તાલુકાઓમાં એક અઠવાડિયામાં સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરીને તેઓને પાસ કાઢી આપવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર તંત્રમાંથી જાણવા મળ્યું છે.
હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની સારવાર મળશે ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં હોસ્પિટલ શરૂ
ત્રણેય ખાનગી હોસ્પિટલને હોમ આઇસોલશનની પણ મંજૂરી અપાઈ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.જેમાં ગોંડલ, જેતપુર અને ધોરાજીમાં કોવિડ- ૧૯ ખાનગી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ગોંડલ ખાતે પાલિકાના સાયન્સ સેન્ટરમાં હોસ્પિટલ બનાવાઈ છે. જ્યાં ૪૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જેતપુરમાં એક હોટેલમાં ખાનગી હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં પણ ૪૮ બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે ધોરાજીમાં ૨૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.આ ત્રણેય સ્થળોએ આજથી સારવાર ચાલુ કરી દેવામાં આવી છે.
વધુમાં જિલ્લા કલેકટર દ્વારા ત્રણેય હોસ્પિટલને હોમ આઇસોલશનની સુવિધા પણ અપાઈ છે. આ મામલે ગોંડલના પ્રાંત અધિકારી રાજેશ આલે જણાવ્યું કે હોસ્પિટલમાં એક સિનિયર ફિઝિશિયન અને તેના ૭-૮ મેડિકલ સ્ટાફનું ગ્રુપ સેવા આપશે.
આ હોસ્પિટલની જિલ્લામાં કલેકટર રેમ્યા મોહન અને નોડેલ સચિવ રાહુલ ગુપ્તા, ડીડીઓ અનિલ રાણાવસિયા સહિતના અધિકારીઓએ વિઝીટ લીધી હતી અને જરૂરી સૂચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.