વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું બહુમાન ધરાવતા ભારત દેશમાં મતદાનના મહાપર્વનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજે બીજા તબક્કાના મતદાનમાં 13 રાજ્યોની 88 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. દેશવાસીઓ હોંશભેર મતદાન કરી રહ્યા છે. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મતદાનના તમામ તબક્કા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
543 લોકસભા બેઠક માટે અલગ-અલગ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ચાર જૂનના રોજ મત ગણતરી હાથ ધરવાની છે. આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સાતમી મેના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. લોકશાહીમાં દેશની જનતાનો અવાજ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મતદાતાને લોકશાહીમાં રાજા માનવામાં આવે છે.
એક-એક મતની કિંમત રહેલી છે. દેશના વિકાસ માટે મતદાન કરવું તે દરેક નાગરિકની પ્રાથમિક ફરજ રહેલી છે અને આ ફરજનું અચૂક પાલન કરવું જોઇએ. મતદાન ન કરનાર વ્યક્તિને કોઇપણ પ્રશ્ર્ને સરકારને વખોડવાનો હક્ક રહેતો નથી. એક-એક મતથી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. પ્રથમ બાદ બીજા તબક્કામાં પણ જે રીતે દેશવાસીઓએ ઉમળકાભેર અને હોંશેહોંશે મતદાન કર્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તમામ સાતેય તબક્કાનું મતદાન ભારતના ભાગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મત કોને આપો છો તે મહત્વનું નથી પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે મતદાન કરવું તે મહત્વનું છે.