વેપારીઓની આવેદન પત્ર આપી નિયમ હટાવવા માંગ
અબતક, રાજકોટ: ગઇકાલે રાજયભરના સોના-ચાંદીના વેપારીઓએ હોલમાર્કના કાયદાના વિરોધમાં પોત-પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. હોલમાર્ક ના નિયમો આંટી ધૂટીવાળા હોય જે સરળ બનાવવાની માંગ સાથે સરકારમાં રજુઆત કરવા જીલ્લા તાલુકા મથકોએ આવેદનપત્રો અપાયા હતા.
ખંભાળીયા
સમગ્ર રાજયમાં સોની વેપારીઓ દ્વારા હોલ માર્કના આકરા નિયમોનો વિરોધ વ્યકત કરાયો છે. તથા સોની વેપારીઓ તેમના વેપાર ધંધા બંધ રાખીને અને આવેદનપત્ર આપીને તેમનો રોષ પ્રગટ કરી રહ્યા છે. તેમાં ખંભાળીયા પણ જોડાયું હતું.ગઇકાલે તમામ વેપારી સોની મહાજન દ્વારા વેપાર ધંધા બંધ રાખીને દ્વારકા જીલ્લા કલેકટર એમ.એ. પંડયા તથા જામનગરમાં હાલારના સાંસદ પુનમબેન માડમને વિસ્તૃત રીતે આવેદનપત્ર આપીને આ નિયમ હટાવવા તથા હળવો કરવા માંગ કરાઇ હતી. જીલ્લા કલેકટર તથા સાંસદને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં પાલિકાના શાસન પક્ષના નેતા તથા વોર્ડ નં.પ ના સદસ્ય અને સોની સમાજના આગેવાન દિલીપભાઇ ધધડા, દીલુભાઇ સોની સહીતના આગેવાનો જોડાયા હતા.
જસદણ
સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલ માકિંગ કરવાના કાયદા સામે આખરે સુવર્ણકારો લડી મૂડમાં હોય તેમ દેશભરના સુવર્ણકારોએ બંધ પાડી આ કાયદાનો વિરોધ કર્યો હતો. જેમાં જસદણના પણ સોની વેપારીઓ જોડાયા હતા. અને પોતાના કામ ધંધા બંધ રાખી બંધના એલાનને ટેકો આપ્યો હતો. અને કાયદાના વિરોધમાં દેખાવો પણ કર્યા હતા.
જામનગર
દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા હોલમાર્ક અને HUIDના કાયદાનો અમલ કરાવાતા દેશભરના સોની વેપારીઓમાં HUID એટલે કે હોલમાર્કિંગ યુનિક IDને લઈ વિરોધ છે. ત્યારે આજે જ્વેલર્સ દ્વારા અપાયેલી એક દિવસની ટોકન હડતાળમાં ગુજરાતના તમામ જ્વેલર્સની સાથે જામનગરના સોની વેપારીઓ પણ જોડાયા હતા. જામનગરની સોની બજાર સજ્જડ બંધ જોવા મળી હતી.સોનાના ઘરેણા ઉપર હોલમાકીંગ યુનિટ આઇડી એટલે કે 1101 ને લઈને જવેલર્સ ભારે નારાજ છે, જેનો પડઘો પાડવા ગઇકાલે જ્વેલર્સે દેશમાં એક દિવસની હડતાલ પાડી છે, આ હડતાલ અંતર્ગત જામનગરના ઝવેરીઓ પણ જોડાયા હતા. શહેરની મુખ્ય બજાર ચાંદી બજારમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. સોની વેપારીઓએ કહ્યું હતું, કે હોલમાર્ક સ્વીકાર્ય છે પણ HUID સામે અમારો વિરોધ છે જે અમને કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. હડતાળ પર ગયેલા સોની વેપારીઓએ HUIDના કારણે ફરી એકવાર ઈન્સપેક્ટર રાજ આવવાની પણ ભીતિ વ્યકત કરી હતી.
જામજોધપુર
જામજોધપુરમાં હોલ માર્ક (HUID) ના વિરોધમાં સોના ચાંદીના વેપારીઓએ સજજડ હડતાલ પાડી રેલી કાઢી ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ સાથે રહીમામલતદારને આવેદન પત્ર પાઠવ્યુેં હતું. સોના ચાંદીના તમામ વેપારીઓએ ધારાસભ્ય સાથે બેઠક કરી તેમનો પ્રશ્ર્ન સરકારમાં રજુ કરવા જણાવ્યું હતું.