હોસ્પિટલ આવતા દર્દીના સંબંધીઓના કારણે સંક્રમણ વધવાની ભીતિના પગલે નિર્ણય લેવાયો
શહેર જિલ્લામાં કોરોનાના ભયાનક સંક્રમણને પગલે જી.જી. હોસ્પિટલમાં ઉભરાઇ રહેલા દર્દીઓ તથા તેના સગા-સંબંધીઓના ધસારાને કારણે જી.જી. હોસ્પિટલ પરિસર તેમજ આજુબાજુના વિસ્તારમાં કોરોના સંક્રમણ બેકાબુ થવાની દહેશત ઉભી થઇ છેઆ વિસ્તારમાં સંક્રમણનો વિસ્ફોટ ન થાય તે માટે સાવચેતીના ભાગરુપે જી.જી. હોસ્પિટલ સામે આવેલી દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો 30 એપ્રિલ સુધી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે.
હોસ્પિટલ સામે આવેલી આ દુકાનો પર લોકોની ખાસ કરીને દર્દીના સગા-સંબંધીઓની ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય પદાર્થો લેવા માટે ભારે ભીડ રહેતી હોય. અહીં કોરોના સંક્રમણ ફેલાવાની શકયતાઓ ખૂબ જ વધી જવા પામી છે. જેને પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલ સામેના દુકાનદારો તેમજ અહીં આવતાં લોકો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આ પગલું ખૂબ જ જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આવતીકાલે શુક્રવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામા આવી છે.