કોરાનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
જૂનાગઢમાં કોરોનો સંક્રમણના વધતા જતા બનાવોને પગલે સોશિયલ ડિસ્ટન્સ ની કડક અમલવારી થાય તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ મામલતદાર અને ઝોનલ કચેરીની મા અમૃતમ કાર્ડ અને તેના માટે જરૂરી આવકના દાખલા સિવાય તમામ જાહેર સુવિધાઓ અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવાનો હુકમ જારી કર્યો છે.
જૂનાગઢ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન ને પગલે વધતા જતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇને જૂનાગઢ જિલ્લા કલેકટરે સાવચેતીના પગલાં અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ ની અમલવારી માટે પ્રતિબંધાત્મક આદેશ આજે જાહેર કરી જૂનાગઢની મામલતદાર કચેરીમાં કાર્ય કરતી જન સેવા કેન્દ્ર અને ઝોનલ કચેરીઓમાં સવારથી સાંજ સુધી અરજદારોની રહેતી ભીડ ને પગલે મામલતદાર કચેરી અને ઝોનલ કચેરીઓ કોરોના હોટ સ્પોટનું કારણ ન બને તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને મામલતદાર કચેરી અને ઝોનલ કચેરીઓ હસ્તકની તમામ આવશ્યક સુવિધાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી છે.
જૂનાગઢ જિલ્લાની મામલતદાર કચેરીમાં માત્ર મા અમૃતમ કાર્ડ અને તેના માટે જરૂરી આવકના દાખલા સિવાય તમામ કામગીરીમાં ખેતીને લગતા દાખલા, ક્રિમિલિયર સર્ટિફિકેટ, કુપનમાં નામ ચડાવવા, નામ કમી અને રીન્યુ કરવા જેવી તમામ કાર્યવાહી બંધ કરી દેવાનો આદેશ જારી કર્યો છે, તથા મા અમૃતમ કાર્ડ માટે આવકનો દાખલો કાઢવામાં આવશે પરંતુ તેમાં પણ સ્પષ્ટ રીતે લખાયેલું હશે કે આવકનો દાખલો માત્ર મા અમૃતમ કાર્ડ હેતુ સરજ ઉપયોગમાં લઇ શકાશે.
જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીના આ આદેશના પગલે જૂનાગઢમાં મામલતદાર કચેરી અને ઝોનલ કચેરીઓમાં સંલગ્ન તમામ સુવિધાઓ ૩૧ જુલાઈ સુધી બંધ થઈ જવા પામી છે, લોક ડાઉન દરમિયાન લાંબો સમય બંધ રહેલી કચેરીનું કામકાજ શરૂ થયું છે ત્યાં જ ફરીથી લોકલ ટ્રાન્સમિશન વધવાના પગલે કલેક્ટર દ્વારા મામલતદાર કચેરીની તમામ જાહેર સુવિધાઓ બંધ કરવાનો આદેશ જારી કરતા અરજદારોના કામ હવે બીજો હુકમ ન થાય ત્યાં સુધી નહીં થાય.