એનડીપીપી-ભાજપના ગઠબંધનને એલજેપી, આરપીઆઈ, જેડીયું અને એનસીપીનો ટેકો
નાગાલેન્ડમાં હવે વિપક્ષ મુકત થઇ ગયું છે. અહીંના તમામ રાજકીય પક્ષોએ એનડીપીપી- ભાજપના ગઠબંધનને બિનશરતી સમર્થન આપ્યું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે વિધાનસભામાં કોઈ વિરોધ નહીં હોય. આ પહેલા 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ નાગાલેન્ડના તમામ 60 ધારાસભ્યોને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા.વાસ્તવમાં, નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષોએ મુખ્ય પ્રધાન નેફિયુ રિયોને તેમના સમર્થનની ઓફર કરી છે, નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં એક અલગ જ રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે. ભાજપને એલજેપી, આરપીઆઈ, જેડીયુંનું સમર્થન હાંસલ થયું છે.
દેશભરમાં ભાજપનો વિરોધ કરનાર શરદ પવારની પાર્ટી એનસીપીએ નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને સમર્થન આપ્યું છે. બીજી તરફ જેડીયુંના એકલા ધારાસભ્યએ પણ તેમના સમર્થનની જાહેરાત કર્યા બાદ પાર્ટીએ તેના રાજ્ય એકમને વિસર્જન કર્યું હતું. જેડીયુંએ કહ્યું કે રાજ્ય એકમે રાષ્ટ્રીય નેતૃત્વની સલાહ લીધા વિના નિર્ણય લીધો છે.બીજી તરફ નાગાલેન્ડમાં ભાજપ સાથે એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ લાવી શકે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવની પાર્ટી સાથે સરકાર બનાવનાર એનસીપી વચ્ચેનું અંતર પણ વધી શકે છે. આ સાથે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનને પણ ઝટકો લાગી શકે છે.
એનડીપીપી-ભાજપના ગઠબંધનને 37 બેઠકો મળી હતી
27 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી, એનડીપીપી-ભાજપના ગઠબંધનએ 60 સભ્યોની વિધાનસભામાં 37 બેઠકો જીતી હતી. આ ગઠબંધનના નેતાઓએ કહ્યું કે મોટા ભાગના પક્ષોના ધારાસભ્યોએ સરકારને તેમના સમર્થનના પત્રો સુપરત કર્યા છે.
એનસીપીએ ભાજપને સમર્થન આપી સૌને ચોંકાવ્યા !
એનસીપી વડા શરદ પવારે નાગાલેન્ડમાં નેફિયુ રિયોની સરકારને ટેકો આપવા માટે મંજૂરી આપી દીધી છે. એનસીપીના રાજ્ય એકમે કહ્યું કે તેમણે નાગાલેન્ડ રાજ્યના વિશાળ હિત માટે સરકારનો ભાગ બનવું જોઈએ. જે બાદ એનસીપીના મહાસચિવ નરેન્દ્ર વર્માએ શરદ પવાર સાથેની મુલાકાત બાદ કહ્યું કે પવારે નાગાલેન્ડના વિકાસ અને નેફ્યુ રિયો સાથેના સારા સંબંધોને કારણે સરકારનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે.