નિરૂત્સાહ મતદારોના અકકડ મૌન સામે ચૂંટણી પ્રચારમાં ગરમાવો

વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે હવે એક સપ્તાહ જેટલો પણ સમય રહ્યો નથી, ત્યારે જુનાગઢ વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પૂરજોસમા આગળ વધારવામાં આવી રહ્યો છે. પરંતુ ચૂંટણી માહોલ ઊભો કરવામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો નિષ્ફળ રહેતા હોવાનું નરી આંખે જોવા મળી રહ્યું છે. બીજી બાજુ મતદારો પણ અક્કડમોન ધારણ કરી, નિરુત્સાહી હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે, જૂનાગઢની બેઠક ઉપર ત્રણ રાજકીય પક્ષો વચ્ચેનો ત્રિપાંખિઓ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, અને જૂનાગઢની સીટ હાસીલ કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

જુનાગઢ 86 વિધાનસભાની બેઠકની ચૂંટણી આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાઇ રહી છે. અને આ ચૂંટણી માટેની ચૂંટણી સભા, જાહેર પ્રચાર કે સરઘસ સહિતના પ્રચાર કાર્યક્રમો 29 તારીખના સાંજના પાંચ વાગ્યાથી બંધ થઈ જવાના છે. ત્યારે હવે આ ચૂંટણી આડે પૂરું એક સપ્તાહ પણ રહ્યું નથી. તો બીજી બાજુ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો મળતો નથી અને અક્કડ મોન ધારણ કરી લીધું છે, ત્યારે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે અને મતદારોમાં ચૂંટણીનો માહોલ ઉભો થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જુનાગઢ 86 વિધાનસભાની સીટની જો વાત કરીએ તો, અહીં કોંગ્રેસના ભીખાભાઈ ગલાભાઈ જોશી, ભાજપના સંજયભાઈ કોરડીયા, અને આમ આદમી પાર્ટીના ચેતનભાઇ ગજેરા વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે, અને ત્રણેય પક્ષના ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. અને જૂનાગઢની સીટ જીતવા  પ્રચારને વેગવંતો કરવામાં આવ્યો છે. પરંતુ મતદારો આ વખતની ચૂંટણીમાં પોતાનું મન કળવા દેતા નથી ત્યારે મતદારોમાં પોતાનો માહોલ ખડો કરવા ઉમેદવારો અને તેના કાર્યકરો ઊંધા માથે થઈ રાત દિવસ ચૂંટણી જીતી લેવા ચૂંટણી પ્રચારના વિવિધ આયોજન કરી રહ્યા છે.

ટૂંકમાં કહીએ તો, જુનાગઢ 86 વિધાનસભાની સીટ જાળવવા માટે કોંગ્રેસના ભીખાભાઈ ગલ્લાભાઈ જોશી તેમના પક્ષના હોદ્દેદારો, કાર્યકરો સાથે પોતાના મતદાન વિસ્તારના વિસ્તારોમાં ફેસ ટુ ફેસ પ્રચારમાં લાગ્યા છે, તો ભાજપના સંજયભાઈ કોરડીયા અને ભાજપ પરિવાર દ્વારા વોર્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ સહિતના મતદારોના સંપર્કને વેગ આપવામાં આવ્યો છે, જ્યારે આપના ઉમેદવાર ચેતન ગજેરા અને તેમના પક્ષના આગેવાનો કાર્યકરો દ્વારા પણ વોર્ડ વાઈઝર ગ્રુપ મીટીંગ અને લોક સંપર્ક સહિતના કાર્યક્રમો યોજી મતદારોનો ઉત્સાહ વધારવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

પરંતુ ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે સાણા મતદારો પોતાનું મન કળવા દેતા નથી, અને મોન ધારણ કરી લીધું છે. જો કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં દર વર્ષે કરતાં સારું મતદાન થાય તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે,પરંતુ મતદારોમાં પોતાનો માહોલ ઊભો કરવામાં ઉમેદવારોને નિષ્ફળતા મળી રહી છે અને મતદારો હાલમાં નિરૂત્સાહ હોય તેવું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.