ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કુઆલાલમ્પુરમાં રમાઈ રહેલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે ભવ્ય વિજયી શરૂઆત કરી છે. ભારતીય મહિલા બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા મલેશિયાની ટીમને માત્ર ૨૭ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે પ્રથમ કરતા ૩ વિકેટે ૧૬૯ બનાવ્યા હતા જેની સામે મલેશિયા માત્ર ૨૭ રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી અને ભારતે ૧૪૨ રને વિજય મેળવ્યો હતો.

અગાઉ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી મિતાલી રાજે ૬૯ બોલમાં અણનમ ૯૭ રનની ઈનિંગ રમી. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીતે પણ ૨૩ બોલમાં શાનદાર ૩૨ રન ફટકાર્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી કરી.

૧૭૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની ટીમ પર ભારતીય બોલરો હાવી થઈ ગયા હતા અને એકપણ બેટ્સમેનને ડબલ ફિગર સુધી પહોંચવા દીધી નહોતી. મલેશિયાની છ ખેલાડીઓ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફ પૂજા પૂજા વસ્ત્રાકરે ૬ રનમાં ૩, અનુજા પાટિલ અને પૂનમ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી. મિતાલી રાજને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાઈ હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.