રાજકોટમાં ફાયર બ્રિગેડનાં ૨૦૦ કર્મચારીઓને લાઈફ જેકેટ, રીંગ, બોટ સાથે સ્ટેન્ડ ટુ રખાયા: કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ
અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ-ડિપ્રેશનમાં પરીવર્તીત થયા બાદ ગઈકાલે રાત્રે ૧૧:૩૦ કલાકે વાવાઝોડામાં પરીવર્તીત થયું છે. વાયુ નામનું આ વાવાઝોડું હાલ વેરાવળનાં દરિયાકાંઠાથી માત્ર ૭૪૦ કિમી દુર છે જે આવતીકાલે સાંજે ગુજરાતનાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાઈ તેવી સંભાવના છે. આ વાવાઝોડું ભારે વિનાશ વેરે તેવી પણ દહેશતનાં પગલે જાનમાલની હાની ન થાય તે માટે રાજય સરકાર એલર્ટ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એનડીઆરએફની ૧૧ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર એલર્ટ થઈ ગયું છે. તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ ફાયર બ્રિગેડનાં ૨૦૦ જેટલા કર્મચારીઓને સ્ટેન્ડ ટુ પર રાખી દેવામાં આવ્યા છે. આજે સવારથી સૌરાષ્ટ્રભરનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાયું છે. પોરબંદરનાં દરિયામાં વાવાઝોડાની અસર વર્તાવવા લાગી છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ નામનાં વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થાય તેવી પ્રબળ સંભાવના જણાતા રાજય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું છે. કુદરતી આફતમાં ખુમારી અટકાવવા માટે સમગ્ર રાજયમાં વહિવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે વેરાવળ ખાતેથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સાવચેત કરી દીધા છે. દરિયામાં રહેલી ૩૯૩ જેટલી બોટને પરત બોલાવી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એનડીઆરએફની ૧૧ ટીમોને રાહત-બચાવની કામગીરી માટે રવાના કરી દેવામાં આવી છે. રાજકોટ, જામનગર, મોરબી, જોડિયા, દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી અને જુનાગઢ સહિતનાં સૌરાષ્ટ્રનાં શહેરોમાં એનડીઆરએફની ટીમોને રવાના કરાઈ છે. રાજકોટમાં પણ એનડીઆરએફની એક ટીમ ફાળવી દેવામાં આવી છે. કલેકટર સહિતનાં તમામ સિનિયર અધિકારીઓ જે રજા પર હોય તેઓને તાબડતોબ રજા રદ કરી ફરજ પર હાજર થઈ જવા તાકીદ કરવામાં આવી છે. ગીર-સોમનાથ, જામનગર, દ્વારકા સહિતનાં દરિયાકાંઠા વિસ્તારનાં તમામ તાલુકાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે રાઉન્ડ ધી કલોક તાલુકા વાઈઝ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડું કાલે વધુ તીવ્ર બની સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાશે અને ૧૩મીએ સવારે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.