નવા કૃષિ બીલના વિરોધમાં યાર્ડ બંધ રાખવાનું એલાન નિષ્ફળ નીવડ્યું
આજરોજ નવા કૃષિ બીલના વિરોધમાં ખેડુત સંગઠનોએ ભારત બંધનું એલાન જાહેર કર્યુ હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધ મુદ્દે બે મોઢે વાતો થઈ રહી હતી. પણ આજે ભેસાણ અને વાંકાનેર સિવાયના સૌરાષ્ટ્રના તમામ યાર્ડ રાબેતા મુજબ ચાલુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા સાથે બે દિવસ પૂર્વે નવી કૃષિ બિલ લાવી છે, જેને સંસદના બંને સદનમાં બહુમતી મળી જતા હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે. જો કે આ બીલનો દેશની વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતોનું ડેથ સર્ટિફિકેટ ગણાવી વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધ દેશના ત્રણથી ચાર રાજ્યમાં જોવા મળ્યો હતો. જો કે ધીમે ધીમે તેને દેશવ્યાપી બનાવવા તરફ વિપક્ષ જોર લગાવી રહ્યું છે. અને તેના ભાગરૂપે આજે ૨૫મી ના રોજ દેશભરના યાર્ડ બંધનું એલાન આપ્યું હતું. આ એલાનમાં ૨૫૦ જેટલા ખેડૂત સંગઠન જોડાયા હોવાના વિપક્ષના દાવા થઇ રહ્યા હતા.
જો કે આ એલાનનું સુરસુરીયું થયું હોય તેમ સૌરાષ્ટ્રમાં માત્ર વાંકાનેર અને ભેસાણ સિવાયના તમામ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહ્યા છે. આ તમામ યાર્ડમાં દરરોજની રાબેતા મુજબની કામગીરી થઈ રહી છે.