ગરવા ગિરનારને સર કરવા કડકડતી ટાઢમાં રાજ્યભરના 1471 સ્પર્ધકો દોટ મુકશે
37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે રવિવારે તા.1 જાન્યુઆરી, 2023ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરના 1471 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.
આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1471 સ્પર્ધકો નોંધાયા છે. જૂનાગઢમાંથી 565, ગીર સોમનાથ 537, ભાવનગર 122, અમરેલી 87, રાજકોટ 47, જામનગર 21, પોરબંદર 17, દ્વારકા 19, સુરેન્દ્રનગર 12, સુરત 11, ગાંધીનગર 9, મહેસાણા 8, દાહોદ 4, વલસાડ 3, કચ્છ 3, અમદાવાદ 2, બોટાદ, મોરબી, નવસારી, બનાસકાંઠામાંથી 1-1 કુલ 1471 જેટલા સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સિનિયર ભાઈઓ 547, જુનિયર ભાઈઓ 498, સિનિયર બહેનો 234, જુનિયર બહેનો 192 વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. રાજ્યકક્ષાની આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો ભવનાથ ખાતેથી આવતીકાલે સવારે 6-45 કલાકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ફ્લોગ ઓફ કરી પ્રારંભ કરાવશે. સ્પાર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ખાતે બપોરે 12 કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.
37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, સાસંદ રાજેશભાઈ ચુડાસમા, સાસંદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર રાજેશ તન્ના, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.