સરકારી કામ કરવા માટે ઓનલાઈન વેબસાઈટ કે એપ્લીકેશનનો ઉપયોગ કરતાં લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. કાલથી ૩ દિવસ સુધી સરકારી એકપણ એપ્લીકેશન કે વેબસાઈટનાં માધ્યમથી કોઈપણ કામ કરી શકાશે નહીં.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન સેવાનાં કારણે ઘણાં લોકો કચેરીઓનાં ધકકા ખાધા વગર જ પોતાનાં કામ સરળતાથી કરી શકે છે. આ ઓનલાઈન સેવાઓમાં જન્મ-મરણનાં દાખલા, મહેસુલી નોંધ, ભરતી પરીક્ષા ફોર્મ, રેશનકાર્ડ, વાહન લાયસન્સ, ઈ-ટ્રેઝરી, ખેલ-મહાકુંભ માટે રજીસ્ટ્રેશન જેવી ઘણી ઓનલાઈન સેવાઓનો સમાવેશ થાય છે પરંતુ ગુજરાતનાં નાગરિકો કાલથી ૧૨ ઓગસ્ટ સુધીનાં ૩ દિવસો સુધી એક પણ સરકારી ઓનલાઈન સેવાનો લાભ મેળવી શકશે નહીં.

આ સેવાઓ બંધ થવાનું મુખ્ય કારણ એ છે કે, તમામ સેવાઓની ૪૦ જેટલી એપ્લીકેશન અને ૩૦૦ જેટલી વેબસાઈટનાં માધ્યમથી ઓપરેટ કરવામાં આવે છે. આ તમામ સેવાઓ જીસ્વાન નેટવર્ક બેઈઝ ડેટા સેન્ટર સાથે કનેકટ છે. ગાંધીનગર ડેટા સેન્ટરમાં ટોરેન્ટ પાવર દ્વારા ૩ દિવસ સુધી ઈલેકટ્રીક પેનલમાં મેનટેનન્સનું કામ શરુ કરવામાં આવશે જેથી શુક્રવારનાં રોજ રાત્રીનાં ૯:૦૦ વાગ્યાથી ૧૨ ઓગસ્ટ રાત્રીનાં ૧૨:૦૦ વાગ્યા સુધી જીસ્વાન નેટવર્કથી સાથે સંકળાયેલી તમામ સેવાઓ શટડાઉન કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારનાં જાહેર રજા હોવાનાં કારણે ઓનલાઈન સરકારી કામ થતા નથી. જેથી એક જ દિવસ લોકોને ઓનલાઈન સેવાનો લાભ મળશે નહીં તેવું મહેસુલ વિભાગનાં અધિકારીઓનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.