જી-7 સમિટ, લગભગ 12 જેટલા મોટા નેતાઓ સાથૈ શ્રેણીબધ્ધ મિટીંગ, 15 જેટલા મુદ્દાઓ પર અંતિમ ચર્ચા, ત્યારબાદ યુએઇનો પ્રવાસ અને આ બધું જ માત્ર ત્રણ દિવસમાં. હા, વડાપ્રધાન મોદી 26, 27 તથા 28 મી જુન વિદેશ પ્રવાસે ગયા છે. જી-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુ.કે, જાપાન તથા અમેરિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. વિશ્વનાં સાત સમૄધ્ધ દેશોનો આ સમુહ રશિયા-યુક્રેન યુધ્ધનાં પગલે રશિયા ઉપર વ્યવસાયિક નિયંત્રણો લગાવ્યા બાદ પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે ભારત જેવા દેશો પર નજર દોડાવી રહ્યો છે.
અગાઉ અહીં લખાયા પ્રમાણે લોઢુ ગરમ જોઇને મોદીજી હથોડો મારશૈ એવા સંકેત અહી મળી રહ્યા છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સૌથી મોટો લાભ ભારત ઉઠાવશૈ એવી જાહેરાત પણ મોદીજીઐ આ મંચ ઉપર કરી હતી.
આમ તો જી-7 સમિટમાં આ વખતે જર્મની યજમાન છે. પરંતુ જર્મનીએ ભારત ઉપરાંત આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ, તથા દક્ષિણ આફ્રિકાને પણ ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોવાથી મોદીજીને આ દેશો સાથે મુલાકાત કરવાની પણ તક મળશે. જી-7 સમિટમાં ભારત માટે આતંકવાદ, આરોગ્ય, પર્યાવરણ તથા લોકતંત્ર જેવા વૈશ્વિક મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રહેશે.
ભારત માટે ભલે ઉપરોક્ત મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય પરંતુ જી-7નાં મોટાભાગનાં સાથી સભ્યો માટે તો રશિયાનાં યુક્રેન ઉપરનાં હુમલા અને ત્યારબાદનાં નિયંત્રણોનાં કારણે યુરોપિયન દેશોની મૂળભૂત જરૂરિયાતોનો પુરવઠો મહત્વનાં મુદ્દા છે. તેથી જ આ બેઠકમાં વિશ્વને ખાદ્યાન્નનો અને એનર્જીનો પુરવઠો મળી રહે તે વિષય ઉપર ખાસ વ્યુહરચના બનાવવામાં આવશે.
બેઠકનાં પ્રારંભે જ મોદીજીએ જ્યારે કોવિડ-19 ની મહામારી વાત આવી ત્યારે ભારતીય વેક્સીનની સફળતાની વાત કરીને આડકતરી રીતે વૈશ્વિક સમુદાયને ભારતીય વેક્સીનનો ઉપયોગ કરવાની ઓફર મુકી હતી. દેશમાં 195 કરોડ વેક્સીનનાં ડોઝ અપાયા હવાનાં અને 95 ટકા જેટલા વયસ્કોને વેક્સીનનાં બે ડોઝ અપાઇ ગયા હોવાની સિધ્ધી વૈશ્વિક મંચ ઉપર વહેતી કરીને તેમણે વિશ્વને ભારત ચિંધ્યા માર્ગે આગળ વધવાનું સૂચન કર્યુ હતું. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓની યશગાથા પણ સાંભળવા મળી. હાલમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા ક્રમનું રાષ્ટ્ર બન્યું હોવાનો દાવો કરીને તેમણે આડકતરી રોકાણકારોને ભારતમાં આવીને ધંધો કરવાની ઓફર મુકી હતી. એક સમયે ભારત સાદો મોબાઇલ ફોન પણ આયાત કરતું હતું. આજે ભારત મોબાઇલ ફોનના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે.વડાપ્રધાનની બે મહિનામાં આ બીજી જર્મની મુલાકાત છે. કારણ કે જર્મની ભારત સાથે વ્યવસાયિક સંબંધો વિકસાવવા માગે છે. અત્યાર સુધી જર્મની ભારત પાસેથી રસાયણો, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, તથા કપડાંની મોટાપાયે ખરીદી કરતું હતું. આ ઉપરાંત જર્મની સહિતનાં મોટાભાગનાં યુરોપિયન દેશો ઘઉં તથા અન્ય કૄષિ પેદાશોની મોટા પાયે યુક્રેન તથા રશિયાથી આયાત કરતા હતા. જેના માટે હવે તેઓ ભારત આવે તેવી સંભાવના છે. એટલે જ મોદીજી હાલમાં તેમના મહેમાન બનીને તેમની સાથે સંબંધો અને વ્યવસાય વધારવા માગે છે.
આમેય તે કૄષિ ઉત્પાદનમાં ભારત મોખરાના સ્થાને છૈ. વળી આપણા પ્રધાનમંત્રી વૈશ્વિક મંચ ઉપર બોલી ચુક્યા છૈ કે આખા વિશ્વનું પેટ ભરી શકાય તેટલા ઘઉં ભારત ઉત્પાદિત કરે છે. તેથી જ કદાચ હવે સૌને ભારત પ્રત્યે આશા જાગી છે.
જર્મની ઉપરાંત આર્જેન્ટિના સાથે પણ મોદીજીની મુલાકાત થઇ ચુકી છે. જેમાં ફૂડ સિક્યોરિટી તથા ફ્યુલના વિકલ્પોની વિશદ ચર્ચા થઇ. ટૂંકમાં યુરોપિયન દેશોને મોટા પાયે કૄષિપેદાશોનો પુરવઠો પુરો પાડવા ની તૈયારી ભારતને કરવાની રહેશે. આ ઉપરાંત મોદીજી યુ.એ.ઇમાં પણ થોડો વિરામ કરવાના છે જ્યાં સત્તાવાર રીતે તો તેઓ જુના પ્રમુખના નિધનનો દિલાસો આપવા અને નવા પ્રમુખને અભિનંદન આપવા જવાના છે પણ સાથે જ ત્યાં વસતા ભારતીયોને કોઇ સમસ્યા ન નડે તેની બાંહેધરી પણ લેશે.