એઈમ્સ દ્વારા અંધેરો મેં રોશની
રોજના 45-50 દર્દીઓની આંખની ઓપીડી કાર્યરત: વાહન વ્યવહાર વધતા દર્દીઓની સંખ્યામાં થશે વધારો
મોતિયાથી માંડી, આંખના નંબરની ચકાસણી અને જામરની તમામ ટ્રીટમેન્ટ એઇમ્સમાં ઉપલબ્ધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની કરોડોની જનતા માટે મેડિકલ ક્ષેત્રે આકાર લઈ રહેલું આશીર્વાદરૂપ એઇમ્સ હાલ ઓપીડીની સારવાર માટે સજ્જ થઈ ગયું છે. જેને લાગતી તમામ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ’અબતક’ મીડિયા હાઉસ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ પ્રસિદ્ધ થઈ રહેલા એઇમ્સના બીજા ભાગમાં ગુજરાતની જનતાને આંખને લગતી સારવાર માટે માહિતગાર કરવામાં આવશે. હાલ એઇમ્સ હોસ્પિટલમાં 14 વિભાગ કાર્યરત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટૂંક સમયમાં જ દાખલ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
ત્યારે આજના બીજા ભાગમાં એઇમ્સમાં મળતી આંખની સારવાર વિશે નિષ્ણાતો દ્વારા ’અબતક’ મીડિયા સાથે મુક્તમને ચર્ચા કરી હતી. જેમાં આંખની લગતી નાની – મોટી બીમારીઓથી દર્દીઓને માહિતગાર કરી તેની સારવાર પૂરી પાડવામાં આવે છે. માત્ર રૂ.10ના મામૂલી રકમ પર એઇમ્સમાં રહેલા કરોડો રૂપિયાના અદ્યતન સાધનોથી દર્દીઓને સારવાર કરવામાં આવે છે.
એઇમ્સ ખાતે કાર્યરત આંખના વિભાગમાં હાલ ઓપીડી વિભાગ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ દર્દીઓ પણ એઇમ્સ પર ભરોસો મૂકી આંખની સારવાર કરાવવા માટે આવી રહ્યા છે. આંખના વિભાગમાં મોતિયાથી માંડી, આંખના નંબરની ચકાસણી, જામરની તપાસ સાથે તેની સારવાર માટે રૂ.10માં મળી રહે છે.
એઇમ્સ ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી એટલે કે ઓ.સી.ટી. દ્વારા રેટિનાના ક્રોસ-સેક્શન ચિત્રો લેવા માટે પ્રકાશ તરંગોનો ઉપયોગ કરે છે. ઓ.સી.ટી. સાથે દર્દીના નેત્ર ચિકિત્સક રેટિનાના દરેક વિશિષ્ટ સ્તરોને જોઈ શકે છે. આ તમારા નેત્ર ચિકિત્સકને મેપ અને તેમની જાડાઈ માપવા માટે થાય છે. આ માપન નિદાનમાં મદદ કરે છે. તેઓ ગ્લુકોમા તેમજ રેટિના રોગ, જેમ કે વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન અને ડાયાબિટીક આંખના રોગની સારવાર માટે પણ માર્ગદર્શન આપે છે.
આંખની સારવાર માટે દર્દીઓને એઇમ્સનો લાભ લેવા અનુરોધ: ડો.કેદાર નેમીવંત
રાજકોટ એઇમ્સ ખાતે આંખની ઓપીડી શરૂ કરવામાં આવી છે. ત્યારે આંખના નિષ્ણાત ડો.કેદાર નેમીવંત દ્વારા ’અબતક’ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ હાલ એમ્સ ખાતે આંખના વિભાગમાં 40થી 50 દર્દીઓની ઓપીડી ચાલી રહી છે. પરંતુ ધીમે ધીમે આ સંખ્યામાં સતત વધારો જોવા મળશે. આંખના વિભાગની વાત કરીએ તો તેમાં દર્દીઓની સારવાર માટે હાઇટેક ટેકનોલોજી અને અતિ આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોરનીયા બીમારીની પણ સારવાર કરવામાં આવે છે.
ઓસિટી સહિતના સાધનોની મદદથી આંખના ચોક્કસ નંબરની ચકાસણી અને જામરને લગતી સારવાર પણ મળી રહે છે. આ અંગે આંખના નિષ્ણાત ડો.કેદારે જણાવ્યું હતું કે એઇમ્સમાં હાલ માત્ર રાજકોટ નહિ પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આંખના વિભાગમાં ઓસીટી અને એનસિટી એટલે કે નોન કોન્ટેક ટોનોમિટર જેવા અતિ આધુનિક સાધનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આંખની સચોટ સારવાર થઈ શકે છે.
આંખમાં બ્લડ પ્રેશરની બીમારીથી માંડી ડાયાબિટીસના કારણે થતી આંખને નુકસાનીને પણ અટકાવી શકાય છે. વધુ તબીબી નિષ્ણાત દ્વારા લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે એઇમ્સ આખ વિભાગમાં સ્માર્ટ ટેકનોલોજી સજ્જ મશીનરી દ્વારા થતી સારવારનો લાભ વધુને વધુ કે તેના માટે અનુરોધ કર્યો છે.
વાહન વ્યવહાર વધતાની સાથે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે: પ્રો.ડો.સી.ડી.એચ.કટોચ
અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ એઇમ્સના ડાયરેકટર પ્રો.ડો.સી.ડી.એચ.કટોચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી એઇમ્સમાં ઓપીડી સારવાર શરૂ કરવામાં આવી છે. શરૂઆતમાં ઓપીડીની સંખ્યા 25-30 જેટલી રહેતી હતી. લોકોને એઇમ્સ સુધી પહોંચવા માટે તકલીફ પડતી હતી ત્યારબાદ રાજ્ય સરકાર અને રૂડાને અપીલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પાકા રસ્તાની સુવિધા અને વાહન વ્યવહાર માટેની સુવિધા માટે પણ મહાનગરપાલિકાએ પૂરો સપોર્ટ આપ્યો હતો.
એઇમ્સ એક બસની સુવિધા બાદ ઓપિડીની સંખ્યા 100ને પાર પહોંચી હતી. ત્યાર બાદ બે બસ શરૂ થતાં હાલ ઓપીડી સંખ્યા 400 નજીક પહોંચી છે. હાલ એઇમ્સ ખાતે પહોંચવા માટે બસની સુવિધા કાર્યરત છે. જેમ જેમ દર્દીઓની સંખ્યામાં વધારો થશે તેમ તેમ વાહન વ્યવહાર માટે વધુ સુવિધા ગોઠવવા માટે પણ તંત્ર સજ્જ છે.