આગામી 26મી આંકડાશાસ્ત્ર ભવનમાં યોજાનારી નેશનલ કોન્ફરન્સ માટે અધધધ.. રૂ.5.60 લાખ મંજૂર !!
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ફાયનાન્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ-2022-23ના 162.6 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત યુવક મહોત્સવ પણ બે વર્ષ બાદ આ વર્ષે યોજાશે અને આ યુવક મહોત્સવમાં જેટલો ખર્ચ થાય તે મંજૂર કરી દેવામાં આવશે. તેમજ આંકડાશાસ્ત્ર ભવનમાં આગામી તા.26મી ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ કોન્ફરન્સ માટેનું કુલ રૂ.5.60 લાખનો ખર્ચ પણ સર્વાનુમતે ફાઇનાન્સ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યુ હતું. આજે એનએસીયુઆઇ કરેલી રજૂઆત બાદ પણ ફાઇનાન્સની બેઠકમાં કુલપતિએ ધરારથી આઇફોનના પૈસા ઓફિસ ઓટોમેશનની ગ્રાન્ટમાંથી મંજૂર કરાવ્યા હતા અને ફોન લીધે પાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલય, અનુસ્નાતક ભવનો, ગ્રંથાલય, આરોગ્ય કેન્દ્રો વગેરેના નાણાકીય વર્ષ-2021-22ના પુન: નિર્મિત અંદાજો તથા વર્ષ-2022-23ના વર્ષનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંકડાશાસ્ત્ર ભવનમાં એક નેશનલ કોન્ફરન્સ યોજાશે તે માટે અંદાજીત ખર્ચ 5.60 લાખને પણ બહાલી આપવામાં આવી હતી. તેમજ વર્ષ-2021-22 માટેના યુવક મહોત્સવ આયોજન કરતા તેનો અંદાજીત ખર્ચ રૂ.46 લાખ જેટલો થાય છે. આ યુવક મહોત્સવમાં જેટલો પણ ખર્ચ થાય તે તમામ ખર્ચ ફાઇનાન્સમાં મંજૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શારીરીક શિક્ષણ વિભાગમાં 535 નંગ ટ્રેક શૂટ ખરીદવા અંગે પણ ચર્ચા-વિચારણાં કરીને ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં ડીજીટલ એક્સ-રે સિસ્ટમની પાવર સપ્લાય કીટ ખરીદવાને પણ બહાલી આપવામાં આવી હતી.