મેડિકલની પરીક્ષાનો 30મી માર્ચથી થશે પ્રારંભ
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ ફરી એકવાર ફુફાળો મારતા સ્કૂલો-કોલેજો અને ટ્યૂશન કલાસ પર ઓફલાઈન શિક્ષણ માટે આગામી 10મી એપ્રિલ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે આ સિવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 23 માર્ચથી શરૂ થનારી પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી છે જો કે મેડિકલની પરીક્ષા આગામી તારીખ 30મી માર્ચથી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેરને કારણે યુનિવર્સિટી દ્વારા લેવાનારી તમામ પરીક્ષા મૌકૂફ રાખવામાં આવી છે જો કે મેડિકલની પરીક્ષા તેના સમય અનુસાર જ લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના પરીપત્ર મુજબ પીજીના વિદ્યાર્થીઓ અને પ્રેકીટલ માટે ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે ગઈકાલે અને આજે ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાખી જોવા મળી હતી. મોટાભાગના ભવનોએ વિદ્યાર્થીઓને ભણાવા માટે ઓનલાઈન લિંક પણ જાહેર કરી દેવામાં આવી છે.
આ દરમિયાન પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, 23મીથી શરૂ થતી બી.એડ, એમ.બી.એ, એમ.ફાર્મ, એમ.પી.એમ, અને બી.એ એકસ્ટર્નલ સેમ-1 તેમજ બી.એ સેમ-3 અને બી.કોમ સેમ-1ની એકસ્ટર્નલની પરીક્ષાઓ મૌકુફ રાખવામાં આવી છે જ્યારે એમ.ડી.એમ.એસ અને ડિપ્લોમા ઇન મેડિકલની 30 માર્ચથી શરૂ થનારી પરીક્ષાઓ લેવાશે જ.
જૂનાગઢ યુનિવર્સિટીની યુજી સેમેસ્ટર-પની પરીક્ષા પણ હાલ પુરતી સ્થગિત
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાનારી કેટલીક પરીક્ષાઓ કોરોના મહામારીના કારણે હાલ પુરતી મોકૂફ રખાઇ છે. આ અંગેની નવી તારીખ જાહેર થયા બાદ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવશે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પીજી, બીએડ સેમેસ્ટર 1 અને યુજી સેમેસ્ટ 5 ની પુરક પરીક્ષાઓ તા. 22 માર્ચથી શરૂ થનાર હતી. દરમિયાન કોરોનાની તકેદારીના ભાગરૂપે સરકારની તેમજ પરીક્ષા કોર સમિતીની સૂચના મુજબ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પીજી, બીએડ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ રાબેતા મુજબ તા. 22 માર્ચથી તેમના સમયપત્રક મુજબ લેવાશે. જ્યારે 22 માર્ચથી લેવાનાર યુજી સેમેસ્ટર 5ની (પૂરક) થિયરીની પરીક્ષા હાલના તબક્કે મોકૂફ રાખવામાં આવી છે.