- દરેક વિધાનસભા મત વિસ્તારવાઈઝ એક પછી એક એમ 24 જેટલા ટ્રકોમાં ઇવીએમ-વીવીપેટ મશીનો વેરહાઉસ લઈ જવાયા: મતગણતરી સાંજે મોડે સુધી ચાલ્યા બાદ મોડી રાત સુધીમાં બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય
રાજકોટ લોકસભા બેઠકના તમામ ઇવીએમ વેરહાઉસના સ્ટ્રોંગ રૂમમાં સિલ કરી દેવામાં આવ્યા છે. અંદાજે મહિના સુધી તેમાં ડેટા રખાશે. દરેક વિધાનસભા મત વિસ્તારવાઈઝ એક પછી એક એમ 24 જેટલા ટ્રકોમાં ઇવીએમ- વિવિપેટ મશીનો વેરહાઉસ લઈ અવાયા હતા. મતગણતરી સાંજે મોડે સુધી ચાલ્યા બાદ મોડી રાત સુધીમાં બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય હતી.
રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કુલ 2036 મતદાન મથકમાં 2036 ઈવીએમ મશીનમાં પડેલા 12 લાખથી વધુ મતની 1100 જેટલા ચૂંટણી સ્ટાફની સવારના 8 વાગ્યાથી મત ગણના શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ લોકસભામાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થતો હોવાથી 17થી 30 રાઉન્ડની મતગણતરી કરવામાં આવી હતી. અને સાંજના 6 વાગ્યા આસપાસ આખરી રાઉન્ડની મત ગણતરી પૂરી થયા બાદ રાજકોટ બેઠકના વિજેતા ઉમેદવારને જિલ્લા ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. મત ગણતરી પુરી થયા બાદ રાજકોટ અને પોરંબદર બેઠકના ઈવીએમ અને વીવીપેટ માધાપરમાં આવેલા ચૂંટણી પંચના વેર હાઉસ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા.
રાજકોટ બેઠકના ઇવીએમ અને વિવિપેટ ભરીને 24 ટ્રક મોડી રાત્રે આવ્યા હતી. ત્યારપછી પોરબંદર બેઠકના ગોંડલ, જેતપુર ધોરાજીના મશીન આવ્યા એ બધા વેરહાઉસમાં સિલ કરી દેવાયા હતા. હવે આ ઇવીએમનો ડેટા અંદાજે 6 મહિના અથવા જેમ ઉપરથી સૂચના આવે તે પ્રમાણે સુરક્ષિત રખાશે. ત્યારબાદ ડેટા ડીલીટ કરી નખાશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ વિજેતા થયેલા રૂપાલાને પ્રમાણપત્ર સોંપ્યું
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલા વિજેતા જાહેર થયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા ગત સાંજે કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્ર ખાતે રાજકોટ લોકસભા બેઠકના પરિણામની વિધિવત ઘોષણા કરવામાં આવી હતી. પરિણામની જાહેરાત બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ વિજેતા ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાને ખાસ ઓબ્ઝર્વર નરહરિસિંઘ બાંગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર તથા એસ. જે. ખાચર, એ.આર.ઓ. વિમલ ચક્રવર્તી, એ.આર.ઓ. સિદ્ધાર્થ ગઢવીની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદો રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહ, અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચાલુ મતગણતરી દરમિયાન 7 ઇવીએમ ખોટકાવાયા
કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે રાજકોટ લોકસભા બેઠકની મત ગણતરી દરમિયાન સાત વિધાનસભા બેઠકમાં 7 ઇવીએમ મશીન ચાલુ મતગણના વખતે બંધ થઈ ગયા હતા. રાજકોટ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દક્ષિણ, ટંકારા અને વાંકાનેર બેઠકના સાત મશીન બંધ થઈ ગયા હતા. આથી ચૂંટણી પંચના નિયમ મુજબ કાઉન્ટીંગ સ્ટાફે બંધ પડેલા મશીનના વીવીપેટની કાપલીના મત ગણ્યા હતા. આ સાતેય મશીનના વીવીપેટ મશીનની કાપલીના મત ગણવામાં આવ્યા હતા. બાદમાં એક વિધાનસભા બેઠક દિઠ પાંચ-પાંચ વીવીપેટની કાપલી ગણવામાં આવી હતી.