વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મોદી-અદાણી ભાઇ..ભાઇ..ના પોસ્ટરો દેખાડતાં અધ્યક્ષનું આકરૂં પગલું
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકેની માન્યતા રદ્ કરવામાં આવી છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના 17 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરતા તમામ સભ્યોને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.
આજે બપોરે ગુજરાત વિધાનસભા ગૃહમાં કામગીરી શરૂ થઇ ત્યારે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસની તમામ 17 ધારાસભ્યોએ મોદી-અદાણી ભાઇ…ભાઇ… લખેલા પોસ્ટરો ગૃહમાં ફરકાવ્યા હતાં. તેઓના આ વિરોધ પ્રદર્શન સામે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વાંધો ઉપાડ્યો હતો અને તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને મંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપતા અંતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બજેટ સત્ર સુધી સસ્પેન્ડ કરી દીધા હતાં.
શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભામાં લેવાયેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ વિધાનસભા ગૃહમાં કરી શકાય નહિં. કોંગ્રેસના ધારાસભ્યોએ આજે નિયમનો ભંગ કર્યો હોય તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.