Abtak Media Google News
  • તમામ 17 કોમ્યુનિટી હોલના 21 યુનીટમાં ફાયર સેફ્ટીના સાધનો લાગ્યા બાદ બુકિંગ શરૂ  કરાશે
  • પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ અને અમૃત કાયલ કોમ્યુનિટી હોલ ચાલુ રહેશે
  • ફાયર સેફ્ટીના પર્યાપ્ત સાધનો વિના ધમધમતા રાજકોટ મહાનગરપાલિકાના 17 કોમ્યુનિટી હોલના 21 યુનિટ આગામી પહેલી ઓગસ્ટથી જનતા માટે બંધ કરી દેવામાં આવશે.એટલું જ નહીં નવા બુકિંગ પણ સ્વીકારવામાં નહીં આવે. તમામ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનો લાગી ગયા બાદ એનઓસી પ્રાપ્ત થયા બાદ  જ બુકિંગ સ્વીકારવામાં આવશે. અટલ બિહારી વાજપેયી,
  • ઓડિટોરિયમ,પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ અને અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ હોય આ ચારેય ચાલુ રાખવામાં આવશે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે શહેરીજનોને ખૂબ જ નજીવા દરે સારા તથા માઠા પ્રસંગો માટે ઉપયોગ માટે આપવામાં આવે છે. તાજેતરમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા પોતાની મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ફાયર સેફ્ટી વિનાની મિલકતોમાં ફાયર એનઓસી મેળવવા માટે ફાયરના પર્યાપ્ત સાધનો ફીટ કરવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે હાલ ફાઇનલ સ્ટેજે છે. દરમિયાન તકેદારી અને સલામતીના ભાગરૂપે કોર્પોરેશનની એસ્ટેટ શાખા હસ્તકના 17 કોમ્યુનિટી બોલના 21 યુનિટો આગામી એક ઓગસ્ટથી બંધ કરી દેવામાં આવશે.નવા કોઈ જ બુકિંગ સ્વીકારવામાં આવશે નહીં.અંદાજે ત્રણેક મહિનામાં તમામમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા બાદ ફરી બુકિંગ શરૂ કરવામાં આવશે. આગામી 1 ઓગસ્ટથી જાગનાથમાં આવેલા એકલવ્ય કોમ્યુનિટી હોલ, ગાયકવાડીમાં  ગુરુનાનક કોમ્યુનિટી હોલ, નીલકંઠ સિનેમા સામે વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, ગુરુપ્રસાદ ચોકમાં વસંતરાવ ગજેન્દ્ર ગડકર કોમ્યુનિટી હોલના બંને યુનિટ,ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલ, જિલ્લા ગાર્ડનમાં ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, આમ્રપાલી પોલીસ ચોકી પાસે ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, આનંદનગર માં રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલના બંને યુનિટ, બેકબોન શોપિંગ સેન્ટરમાં પ્રતાપભાઈ ડોડીયા કોમ્યુનિટી હોલ અને મનસુખભાઈ ઉધાડ કોમ્યુનિટી હોલ, ધર્મનગર આવાસ યોજના પાસે નાનજીભાઈ ચૌહાણ કોમ્યુનિટી હોલ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, પેડક રોડ પર પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલના બંને યુનિટ, 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલના બંને યુનિટ,કોઠારીયા મેઈન રોડ પર હુડકો ફાયર બ્રિગેડ પાસે કાંતિભાઈ વૈદ કોમ્યુનિટી હોલ, સંત કબીર રોડ પર મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ,મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે નવનિર્મિત કોમ્યુનિટી હોલના બંને યુનિટ બંધ કરી દેવામાં આવશે અને ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી બુકિંગ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત પહેલી ઓગસ્ટ પછીના જે બુકિંગ છે તેને ડિપોઝિટ પરત આપી બુકિંગ કેન્સલ કરવામાં આવશે. ત્રણ મહિનામાં તમામ હોલમાં ફાયર સેફટીના સાધનો લાગ્યા બાદ અને ફાયર એનઓસી મળ્યે ફરી બુકિંગ શરૂ કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.