સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું : એનડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરાઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું શાહીનસર્જાઈ રહ્યું છે. જેના કારણે હાલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે. ગુજરાતમાં કોસ્ટગાર્ડના તમામ સ્ટેશન પર હાઈએલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા કોસ્ટગાર્ડે સૂચના આપવામાં આવી છે. સંભવિત ચક્રવાતના પગલે કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ થઈ ગઈ છે. દરિયાકાંઠે રડાર સ્ટેશન પર સૂચનાઓને વારંવાર રીલે કરાઈ રહી છે. પોરબંદર, ઓખામાં કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ પર છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણ દિવસ પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદભવશે. ત્યારે વલસાડ જિલ્લામાં તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ છે. તિથલના દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તે વાવઝોડામાં પરિવર્તિત થશે કે નહીં તે આગામી સમયમાં જણાવવામાં આવશે. પરંતુ હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફની 20 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 8, દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ ડિપ્લોય કરાઈ છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારીમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહીના કારણે પાટણ અને ખેડામાં એનડીઆરએફની 1 1 ટીમ ડિપ્લોય કરાઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગર, વડોદરામાં 3 3 ટીમ રીઝર્વ રખાઈ છે.
વધુમાં દરિયામાં સુરક્ષાને ભાગરૂપે સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમાં ઓખા, પોરબંદર, જામનગર, ગિરસોમનાથ અને અમેરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે. સાથે આ જિલ્લાઓમાં બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ પણ આપવામાં આવ્યું છે.