રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૩મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી
રાષ્ટ્રની આઝાદી માટે અનેક નામી અનામી શહિદોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે. આ મહામુલી આઝાદીના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃધ્ધી માટે સહભાગી થવા અનુરોધ કરતાં અધિક નિવાસી કલેકટર પંડયાએ ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી.
અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ દેશની આઝાદીના લડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ નાગરિકોને ઉપરોકત અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે ૨૧મી સદી એ નવયુવાનોની છે. આગામી વર્ષોમાં ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાવર્ગ ધરાવતો દેશ બનશે. આથી યુવાનો દેશના વિકાસ માટે આગળ આવે અને ભારત દેશને વિશ્વભરમાં નામના અપાવનાર સિધ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છા પણ તેઓએ આ તકે પાઠવી હતી.
આ પ્રસંગે રાજકોટની વી.જે મોદી, એલ.જે.મોદી, કસ્તુરબા સ્કુલ, કાન્તાસ્ત્રી ગર્લ્સ સ્કુલ, મહાત્મા વિદ્યાલય, સેંટ પોલ સ્કુલની બેન્ડ પાર્ટી સહિત ૬ જેટલી શાળાઓ અને વિશેષમાં માનસિક દિવ્યાંગ બાળકોની સ્કુલ એકરંગ દ્વારા હમ કો મન કી શક્તિ દેના અભિનયગીત સહિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યકમો જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયા હતા.જેને લોકમેળા સમિતિ દ્વારા અધિક નિવાસી કલેકટર પંડયાના હસ્તે પ્રત્યેકને રૂ.૫૦૦૦નો રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યેાજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં પરેડ કમાન્ડન્ટ એમ.એન.બોરીસાગરની આગેવાની હેઠળ હથીયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, એન.સી.સી કેડેટ બોયઝ અને ગર્લ્સની પ્લાટુન તથા ટાફિક બ્રિગેડના જવાનોએ ભાગ લીધો હતો.આ તકે સ્વાતંત્ર્ય સેનાની છબીલદાસ લાખાણીના પરિવારજન મધુરીબેન છબીલદાસ લાખાણી તથા મનુભાઇ વિઠલાણીનું ઉષ્મા વસ્ત્ર અને પુષ્પહાર વડે અધિક નિવાસી કલેકટર પંડયા દ્વારા સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હરેશભાઇ રાવલએ કર્યુ હતું.