સ્થળાંતરની કામગીરી પૂર્ણ: બે થી ત્રણ વર્ષમાં રાજકોટને નવુ બસપોર્ટ મળશે: નવુ એસ.ટી. બનાવવા આજથી કામગીરી શરૂ
રાજકોટમાં આધુનિક બસપોર્ટ બનાવવા માટે શાસ્ત્રીમેદાનમાં પ્રિફબિકેટેડ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં શનિવારની રાતથી જ સંપૂર્ણ સ્થળાંતર પૂર્ણ થયું છે. તમામ બસો હવે શાસ્ત્રીમેદાન ખાતે બનેલા હંગામી બસ સ્ટેશનથી જ ઉપડશે અને બે થી ત્રણ વર્ષમાં રાજકોટને એરપોર્ટ જેવું અદ્યતન બસપોર્ટ મળી જશે.પાંચ દિવસ પૂર્વે શાસ્ત્રીમેદાન ખાતે બસ સ્ટેશન સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ તબકકા પ્રમાણે એસ.ટી. સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.પ્રથમ તબકકામાં જામનગર, મોરબી, ટંકારા, અમદાવાદ, બરોડા જેવા રૂટનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા તબકકામાં વાંકાનેર, સુરેન્દ્રનગરના રૂટનું સ્થળાંતર કર્યા બાદ શનિવારે મોડીરાત્રી સુધીમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ઉના બાજુની તમામ રૂટનું સ્થળાંતર કર્યા બાદ હવે પુરા એસ.ટી. સ્ટેન્ડનું સ્થળાંતર થઈ ચૂકયું છે અને ગઈકાલથી જે સંપુર્ણ એસ.ટી. સ્ટેન્ડ શાસ્ત્રી મેદાન ખાતે સ્થળાંતરીત થઈ ગયું છે. હંગામી ધોરણે બનેલા એસ.ટી. સ્ટેન્ડમાં મુસાફરોને કોઈપણ જાતની અગવડતા ના પડે તે માટેનું ખાસુ ધ્યાન રખાયું છે.અંદાજીત ખર્ચે બનેલા હંગામી સ્ટેન્ડમાં ૯ સ્ટોલ, ૩ ટોયલેટ, પાકિર્ંગ તેમજ વોલ્વો મુસાફરો માટે એસી વેઈટીંગ રૂમની બધી જ સુવિધા પુરી પાડવામાં આવી છે. જયાં સુધી રાજકોટને નવું બસ સ્ટેન્ડ નહીં મળે ત્યાં સુધી શાસ્ત્રીમેદાન ખાતે જ તમામ એસ.ટી. રૂડોની અવર-જવર કરાશે.૫૦ વર્ષ જુના બસ સ્ટેન્ડને નવુ બનાવવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ૨૦૨૦ સુધીમાં રાજકોટને નવું બસપોર્ટ મળે તેવી સંભાવના હાલમાં સેવાઈ રહી છે અને આ બસ પોર્ટમાં મુસાફરોને એરપોર્ટ જેવી જ સુવિધા મળશે. જેમાં મોલ, સિનેમાઘર, વેઈટીંગ રૂમ, અદ્યતન સ્ટોલ, અદ્યતન પાર્કિંગ જેવી સુવિધા મળી રહેશે. અંદાજીત બેથી ત્રણ વર્ષમાં રાજકોટમાં નવુ બસપોર્ટ ધમધમતું થશે.