માતૃભાષાની મહત્વતા જાળવી રાખવા તરફ રૂપાણી સરકારનું એકશન
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮થી તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ફરજીયાતપણે ભણાવાશે. ગુજરાતી ભાષાએ આપણી માતૃભાષા છે ત્યારે માતૃભાષાની મહત્વતા જાળવી રાખવા તરફ રૂપાણી સરકારે આ પ્રકારની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી ‘ચિંતન શિબિર’માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સીબીએસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ભણાવવું પડશે.
આજના સમયે ઈંગ્લીશ ભાષાનું વર્ચસ્વ વધુ જોવા મળી રહ્યું છે. કહેવાય છે ને કે અંગ્રેજો તો ગયા પણ અંગ્રેજી છોડતા ગયા. અંગ્રેજી ન આવડે તો ઘણા લોકો શરમ અનુભવતા હોય છે કે આપણે ભણેલા-ગણેલા છીએ તો પણ અંગ્રેજી વાંચતા લખતા, બોલતા નથી આવડતું પરંતુ આપણી માતૃભાષા ગુજરાતીની વાત આવે તો, ગુજરાતીઓ હોવા છતાં વિદ્યાર્થીઓ સહિત મોટાભાગના લોકો વ્યાકરણમાં ગોથા ખાય છે. શાળાઓમાં ગુજરાતી વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને ગુજરાતી ભાષાથી વિદ્યાર્થીઓ દુર થઈ રહ્યા છે ત્યારે આ બાબત તરફ રૂપાણી સરકારે ખાસ ધ્યાન દોયુર્ં છે અને સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે આગામી શૈક્ષણિક વર્ષની ગમે તે બોર્ડ હોય ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવો જ પડશે.
આ વિશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાતી ભાષાનું ભવિષ્ય વિશે મુખ્યમંત્રીએ ચિંતા વ્યકત કરી છે અને આ તરફ જરૂરી પગલા લેવાશે. તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવા માટે નિષ્ણાંતોની કમીટીની રચના થશે અને તે ગુજરાતી ભાષાને કેમ વધુ મજબુત બનાવવી ? તે વિશે માર્ગદર્શન પુરુ પાડશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની ગુણવતા પર પણ ભાર મુકયો છે.