કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કોઠીવારે ફોર્મ પરત ન ખેંચતા 23 વર્ષે ચૂંટણીની નોબત: મતદાનની ગુપ્તતા જાળવવા પણ કોંગ્રેસની માંગ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો પૈકી ચાર સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવ્યા છે. દરમિયાન ફોર્મ ચકાસણીની કામગીરીમાં મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કોંગ્રેસના એક સહિત તમામ 9 ફોર્મ માન્ય રહ્યા હોવાની જાહેરાત કરતા હવે શિક્ષણ સમિતિના આઠ સભ્યો માટે 19મી જૂનના રોજ મતદાન થશે તે વાત ફાઇનલ થઇ જવા પામી છે. કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કોઠીવારે ફોર્મ પરત ન ખેંચતા 23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા કરવાની ફરજ પડશે. બીજી તરફ મતદાનની ગુપ્તતા જળવાઇ રહે તે માટે પણ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
કોર્પોરેટરોની સભ્યસંખ્યા મુજબ શિક્ષણ સમિતિમાં કોંગ્રેસનો એકપણ સભ્ય ચૂંટાઇ તેવી જ કોઇપણ શક્યતા નથી. છતાં કમલેશ કોઠીવારે કોંગ્રેસના બે કોર્પોરેટરોના સમર્થનથી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આજે ફોર્મ ચકાસણીના દિવસે પણ તેઓએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. હોદ્ાની રૂએ નિર્વાચીન અધિકારી એવા મેયર ડો.પ્રદિપ ડવે ચકાસણી દરમિયાન તમામ 9 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે તેવું જાહેર કર્યું છે. જ્યારે અલગ-અલગ કેટેગરીની બેઠક પરથી ઉમેદવારી કરનાર ચાર ઉમેદવાર સામે કોઇ હરિફ ન હોય તેઓને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા છે.
શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 6 કોર્પોરેટરો હોવા જરૂરી છે અથવા 6 કોર્પોરેટરોના મત મળવા જરૂરી છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર બે કોર્પોરેટરો છે. કમલેશ કોઠીવારની હાર નિશ્ર્ચિત છે છતાં તેઓના કારણે 23 વર્ષે શિક્ષણ સમિતિની ચૂંટણી થશે. જેમાં સામાન્ય કેટેગરીની આઠ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કોઠીવાર અને ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ નિમાવત, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ રબારી, રસિકભાઇ બદ્રકીયા, અજયભાઇ પરમાર, જાગૃતિબેન ભાણવડીયા અને સુરેશભાઇ રાઘવાણી વચ્ચે જંગ જામશે.
19મીએ સવારથી લઇ બપોર સુધી ચૂંટણી યોજાશે. ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરી દેવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કોઠીવારે મતદાનની ગુપ્તતા જળવાઇ રહે તે માટે ક્યા કોર્પોરેટરે કોને મત આપ્યો તેની વિગત જાહેર ન કરવા પણ માંગણી કરી છે. જો ગુપ્ત મતદાનની પ્રણાલીનો ભંગ થશે તો કોર્ટમાં જવાની પણ ચીમકી પણ ઉચ્ચારી છે.