- નવા વર્ષની પ્રથમ સ્ટેન્ડિંગમાં જ ચેરમેન જયમીન ઠાકર મન મુકીને વરસ્યા
કટારિયા ચોકડીએ નિર્માણ પામનાર મલ્ટીલેવલ બ્રિજ માટે રૂ.167 કરોડ મંજૂર કરાયા: અલગ-અલગ વિસ્તારોમાં પાંચ કરોડના ખર્ચે પેવિંગ બ્લોક નાંખવાની 17 દરખાસ્તોને પણ મંજૂરીની મહોર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી તમામ 67 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે રૂ.167 કરોડના ખર્ચે મલ્ટીલેવલ બ્રિજ બનાવવાના નિર્ણયને પણ બહાલી અપાઇ છે. 67 દરખાસ્તો મંજૂરી કરી રૂ.216 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રસ્તાના કામ માટે રૂ.23.15 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે ડ્રેનેજ નેટવર્ક માટે રૂ.4.35 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. પેવિંગ બ્લોક નાંખવાની તમામ 17 દરખાસ્તોને બહાલી આપી રૂ.4.98 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.9 કરોડ મંજૂર કરાયા છે. કેકેવી ચોક બ્રિજ નીચે સ્પોર્ટ્સ સુવિધા વિકસાવવા માટે રૂ.1.88 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કટારિયા ચોકડી ખાતે બનનારા શહેરના પ્રથમ મલ્ટીલેવલ સિગ્નેચર કેબલ બ્રિજ માટે સૌથી વધુ રૂ.167 કરોડ મંજૂર કરાયા છે. આ બ્રિજ રાજકોટનો સૌથી મોંઘા બ્રિજ પૈકીનો એક બનશે. વોર્ડ નં.9માં ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ માટેનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ આપવા રૂ.20.22 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
વોર્ડ નં.4માં નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે બહારના ભાગે પાણીનો ટાંકો બનાવવા માટે રૂ.66.94 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં.6 અને 15 માં ટીપીના રોડ પર ડામર રિ-કાર્પેટના કામ માટે રૂ.14 કરોડ મંજૂર કરાયા છે. મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં બોરીચા સોસાયટી મેઇન રોડ આરસીસી રોડ બનાવવાના કામ માટે રૂ.1.20 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યૂટી મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.3માં અમૃત મિશન-2.0 અંતર્ગત રેલનગર ઇએસઆરથી જુદા-જુદા વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.3.15 કરોડ મંજૂર કરાયા છે. સાગરનગર અને બેટ દ્વારકા વિસ્તારમાં ડિમોલીશનના અસરગ્રસ્તોને સ્માર્ટ ઘરમાં રૂ.55,000 માં આવાસ આપવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. વોર્ડ નં.7માં નવા જાગનાથ પ્લોટમાં ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.1.54 કરોડ જ્યારે જૂના જાગનાથ અને સરદારનગર ઇસ્ટમાં ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.1.99 કરોડ મંજૂર કરાયા છે. કોર્પોરેશનના બિન ઉપયોગી અને નોન યુઝ વાહનોને ઇ-ઓક્શનથી વેંચાતા આપી દેવાથી રૂ.35 લાખની આવક થશે. આજે તમામ 67 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.