હાઇરાઇઝ બિલ્ડીંગો, શાળા-કોલેજો અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે ટૂંક સમયમાં કોર્પોરેશનની ટીમો ચેકીંગ અર્થે ત્રાટકશે
અબતક, રાજકોટ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગઇકાલે ફાયર સેફ્ટી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં એવો આદેશ આપ્યો છે કે ફાયર સેફ્ટી વિના ધમધમતી હોસ્પિટલોમાં માત્ર ઓપીડી સેવા ચાલુ રાખવામાં આવે, ઓપરેશન અને દર્દીઓને દાખલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવે જો કે અદાલતના આ આદેશથી રાજકોટથી કોઇ ખાસ ફર્ક પડે તેમ નથી. કારણ કે શહેરમાં આરોગ્ય શાખાના રેકોર્ડ પર નોંધાયેલી તમામ 416 હોસ્પિટલો ફાયર સેફ્ટીના સાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે છતાં તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ફરી ફાયર સેફ્ટી અંગે ચેકીંગ ઝુંબેશ વધુ વેગવંતી બનાવશે.
કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનામાં અનેક દર્દીઓના જીવ ગયા હતા. આ ઘટના બાદ હાઇકોર્ટે તમામ હોસ્પિટલો અને શાળા-કોલેજોમાં ફરજીયાત ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઇએ અને તમામે ફાયર એનઓસી લીધેલું હોવું જોઇએ તેવી કડક તાકીદ કરી આદેશ આપ્યા હતા. જેના પગલે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા આરોગ્ય શાખાના રેકોર્ડ પર નોંધાયેલી તમામ 416 હોસ્પિટલોને ફાયર સેફ્ટી અંગે નોટિસ આપી હતી. જે અંતર્ગત 150 થી વધુ હોસ્પિટલો એવી હતી કે જેની ઉંચાઇ 9 મીટરથી ઓછી હતી અને આ હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવતા ન હતા.
માત્ર નિદાન કરવામાં જ આવતું હતુ. બાકી રહેતી 250થી વધુ હોસ્પિટલોના સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લીધા હતા અને ફાયર એનઓસી મેળવી લીધું હતું. અંતિમ રિપોર્ટ મુજબ માત્ર બે જ હોસ્પિટલ પાસે એનઓસી નથી. જે પૈકી રેલવે હોસ્પિટલે તાજેતરમાં ફાયરના તમામ સાધનો ફીટ કરાવી લીધા છે. જ્યારે સિવિલ હોસ્પિટલના 13 બ્લોક પૈકી 12 બ્લોકમાં ફાયરના સાધનો ફીટ કરી દેવામાં આવ્યા છે. આમ 416 પૈકી હવે એક પણ હોસ્પિટલ એવી નથી કે જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય.
દરમિયાન કોરોના કાળમાં અનેક હોસ્પિટલોએ ઇન્ડોર સુવિધા બંધ કરી દીધી હતી અને માત્ર ઓપીડી જ ચાલુ રાખી હતી. જેને નિયમ મુજબ ફાયર એનઓસી મેળવવાનું રહેતું નથી. હવે જ્યારે કોરોનાનો કહેર સંપૂર્ણપણે ઓસરી રહ્યો છે ત્યારે આવી હોસ્પિટલોએ ફરી ઇન્ડોર સુવિધા શરૂ કરી નથી ને તે સહિતની ચકાસણી માટે ફાયર બ્રિગેડ શાખા દ્વારા નવેસરથી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સાથોસાથ હાઇરાઇઝ બિલ્ડીંગ અને શાળા-કોલેજોમાં પણ ફાયર સેફ્ટી અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. હાલ જો કોઇ હોસ્પિટલનો બિલ્ડીંગ પ્લાન ઇન્વર્ડ કરવામાં આવે તો તેને બે સીડી રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે.