વગર ટેન્ડરે આપી દેવાતા કામ અને ખર્ચ મંજૂરી સામે ઘનશ્યામસિંહે નોંધાવ્યો વિરોધ: રૂા.૧૧.૩૧ કરોડના વિકાસ કામો મંજૂર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાના ઉગ્ર વિરોધ વચ્ચે તમામ ૪૧ દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. અને રૂા.૧૧.૩૧ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને તબીબી સહાય માટે વધુ ૨૦ હોસ્પિટલને માન્યતા આપવાની દરખાસ્તને પણ લીલીઝંડી આપવામાં આવી હતી.
આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ ૪૧ દરખાસ્તોને બહાલી અપાય છે. એરપોર્ટ રોડ પર આવેલુ રેલવે ફાટક પહોળુ કરવા માટે રૂા.૪૫.૧૫ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને હાલ બીમારી સબબ સારવાર કે તબીબી સહાય માટે માત્ર ૨૦ હોસ્પિટલો જ માન્ય છે. જેમાં વધારો કરવામાં આવ્યો છે અને વધુ ૨૦ હોસ્પિટલોને માન્યતા આપવામાં આવી છે. મહાપાલિકાની હદમાં નવા ભળનારા પાંચ ગોમામાં વિકાસ કામ માટે રૂા.૧૯.૮૩ કરોડ ફાળવવા માટેની દરખાસ્ત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ સમક્ષ રજૂ કરવાને પણ બહાલ આપવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમીટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ અલગ અલગ ૮ દરખાસ્તોનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના કાર્યક્રમોની અગાઉથી જાણ હોવા છતાં અલગ અલગ ખર્ચ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી ભાવ મંગાવવામાં આવતા નથી અને ટેન્ડર વિના જ ખર્ચ કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મોકલવામાં આવે છે. ફેઈસ ડિટેકટર મશીનમાં એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટનો પણ તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. અલગ અલગ ૮ દરખાસ્તોનો વિરોધ છતાં બહુમતીના જોરે તમામ ૪૧ દરખાસ્તોને બહાલી આપી દઈ રૂા.૧૧.૩૧ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.